ફાઇલ ફોટો (ANI Photo)

સદગુરુ તરીકે ઓળખતા જગ્ગી વાસુદેવનના ઇશા ફાઉન્ડેશન સામેના તમામ ક્રિમિનલ કેસોનો મુદ્દાસ હાઇકોર્ટે એક રીપોર્ટ માંગ્યાના એક દિવસ પછી મંગળવારે કોઈમ્બતુરના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ રેન્કના અધિકારીની આગેવાનીમાં 150 પોલીસ કર્મચારીઓનો કાફલો થોન્ડમુથુરમાં ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં પ્રવેશ્યો હતો અને તપાસ ચાલુ કરી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફાઉન્ડેશનમાં રહેવાસીઓ અને રૂમની ચકાસણી પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ ગતિવિધિ અંગે ઈશા યોગ સેન્ટરે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ એસપી સહિત પોલીસ સામાન્ય પૂછપરછ માટે ઈશા યોગ કેન્દ્રમાં આવી છે. તેઓ રહેવાસીઓ અને સ્વયંસેવકોની પૂછપરછ કરી રહ્યાં છે, જીવનશૈલીને સમજે છે, તેઓ કેવી રીતે આવે છે અને કેવી રીતે રહે છે તે સમજે છે.

હાઇકોર્ટે નિવૃત્ત પ્રોફેસર ડૉ. એસ કામરાજે દાખલ કરેલી હેબિયસ કોર્પસ પિટિશન પર સુનાવણી કરતી વખતે કોર્ટે કોઈમ્બતુર ગ્રામીણ પોલીસને તપાસ હાથ ધરવા અને રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ડો. એસ કામરાજે આરોપ મૂક્યો હતો કે તેમની બે પુત્રીઓ ગીથા કામરાજ (42) અને લતા કામરાજ (39)ને કોઈમ્બતુરમાં ફાઉન્ડેશનમાં કેદમાં રાખવામાં આવી છે. આ ફાઉન્ડેશન વ્યક્તિઓનું બ્રેઈનવોશ કરે છે, તેમને સાધુ બનાવી દે છે અને પરિવારો સાથેના તેમના સંપર્કને તોડાવી નાંખે છે.

આ પિટિશનની સુનાવણી કરતાં કોર્ટે સદગુરુને આકરો સવાલ કર્યો હતો કે તમે તમારી પુત્રીના લગ્ન કરી દીધા છે અને તે સાંસારિક રીતે સુખી જીવન જીવી રહી છે, તો પછી તમે શા માટે અન્ય મહિલાઓનું મુંડન કરાવી તેંને સંન્યાસી જીવન જીવવા પ્રેરિત કરો છો?’

અરજદારે દાવો કર્યો હતો કે, મારી બે ઉચ્ચ અભ્યાસ કરેલી દીકરીઓનું બ્રેઇનવોશ કરીને ઈશા ફાઉન્ડેશનના યોગ સેન્ટરમાં રાખવામાં આવી છે. મારી દીકરીઓની ઉંમર 42 અને 39 વર્ષ છે. મારી મોટી દીકરીએ બ્રિટનમાંથી M.Tech ડિગ્રી મેળવી છે અને મહિને એક લાખ રૂપિયા કમાતી હતી. 2007માં તેને બ્રિટનના જ એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ 2008માં તેમના છૂટાછેડા થઈ ગયા હતાં આ પછી જ તેને ઈશા ફાઉન્ડેશનના યોગ સેન્ટરમાં ભાગ લેવાનું શરુ કર્યુ. તેને જોઈને જ મારી નાની દીકરી પણ યોગ કેન્દ્રમાં રહેવા લાગી હતી.

અરજદારે આરોપ મૂક્યો હતો કે યોગ કેન્દ્રમાં અમારી દીકરીઓને અમુક પ્રકારનો ખોરાક અથવા દવા આપવામાં આવી રહી હતી, જેના કારણે મારી દીકરીઓ તેમની વિચારશક્તિ ગુમાવી બેઠી છે.

આ મામલે મદ્રાસ હાઇકોર્ટે આ બે દીકરીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન આ બન્ને દીકરીઓએ કહ્યું હતું કે, ‘અમે અમારી મરજીથી આ યોગ સેન્ટરમાં જોડાયા છીએ.’ વાતચીત દરમિયાન મદ્રાસ હાઇકોર્ટે આ દીકરીઓને સવાલ કર્યો હતો કે તમે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવાની વાત કરી રહ્યા છો. તો શું તમારા માતા-પિતાને અવગણવું એ પાપ નથી? ભક્તિનો સાર જ એ છે કે દરેકને પ્રેમ કરો અને કોઈને નફરત ન કરો, પરંતુ અમને તમારામાં તમારા પરિવાર પ્રત્યે ખૂબ નફરત દેખાઈ રહી છે. તમે તમારા માતાપિતા સાથે સન્માનપૂર્વક વાત પણ નથી કરી રહ્યા.’

આ ઉપરાંત જસ્ટિસ સિવગનનમે શંકા વ્યક્ત કરતાં કહ્યું કે, ‘અમે જાણવા માંગીએ છીએ કે એક વ્યક્તિ જેણે પોતાની પુત્રીના લગ્ન કરીને તેને જીવનમાં સારી રીતે સેટલ કરી દીધી છે, તો તે જ વ્યક્તિ કેવી રીતે અન્ય લોકોની દીકરીઓનું મુંડન કરાવીને તેમને સંન્યાસી જીવન જીવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે?’

આ પ્રશ્નનો જવાબ આપતાં ઈશા ફાઉન્ડેશનના વકીલે કહ્યું કે, ‘દરેક પુખ્ત વ્યક્તિને પોતાનું જીવન પસંદ કરવાનો અધિકાર છે. આથી હું આ અરજદારની શંકાને સમજી શકતો નથી.’ તેના જવાબમાં કોર્ટે કહ્યું કે, ‘તમે આ કેસ સદગુરુ જગ્ગી વાસુદેવના પક્ષમાં લડી રહ્યા છો આથી તમે આ નહિ સમજી શકો. પરંતુ આ કોર્ટ ન તો કોઈના પક્ષમાં છે અને ન તો કોઈની વિરુદ્ધ.’

LEAVE A REPLY