આર્મી કમાન્ડર અને હિઝબુલ્લાહના વડા નસરલ્લાહની હત્યાનો બદલો લેવા ઇરાને મંગળવારે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ અને જેરૂસેલમ પર આશરે 180 બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. જોકે ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમને મોટાભાગની મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી. ઇઝરાયેલ સામેના ઇરાનના હુમલામાં અમેરિકાએ ઇઝરાયેલને મદદ કરી હતી. બીજી તરફ ઇઝરાયેલે પણ પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું હતું કે મોટાભાગની મિસાઇલોને દેશની અદ્યતન સંરક્ષણ પ્રણાલી આયર્ન ડોમ અને એરો દ્વારા અટકાવવામાં આવી હતી. પરંતુ કેટલીક મિસાઇલથી નજીવું નુકસાન થયું હતું.
ઇરાનના હુમલાથી ઇઝરાયેલના શહેરોમાં સાઈરનો વાગી ઉઠી હતી.. હુમલાને પગલે ઈઝરાયેલે તેના નાગરિકોને બોંબ શેલ્ટર્સમાં પહોંચી જવાની સૂચના જારી કરી છે. ઈરાનના મિસાઈલ હુમલામાં તેલ અવીવમાં કેટલાંક લોકોને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે. દરમિયાનમાં ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે, મંગળવારે બપોરે લેબનોન પર કરાયેલા હુમલામાં હિઝબુલ્લાહના વધુ એક ટોચના કમાન્ડર મોહમ્મદ જાફર કાસીર માર્યો ગયો હતો.
બીજી તરફ ઈઝરાયેલી સેનાના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હાગારીએ જણાવ્યું હતું કે, અમારી એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ કાર્યરત છે, જે કોઈ પણ મિસાઈલને આંતરી તેને નિષ્ફળ બનાવી રહી છે. જોકે તેમણે ઉમેર્યું હતું કે, આ સિસ્ટમ સંપૂર્ણ સુરક્ષિત નથી. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ગત 7મી ઓક્ટોબરે શરૂ થયેલા યુદ્ધને એક વર્ષ પૂરું થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે આ યુદ્ધમાં ઈઝરાયેલ સામે લેબનોન, યમન તથા ઈરાને મોરચો ખોલતા આ જંગ વધુ વિનાશક બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ તાજેતરમાં સમયાંતરે કરેલા હુમલાઓમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા, હિઝબુલ્લાહના વડા હાસન નસરલ્લાહ તથા ઈરાનની સેનાના કમાન્ડર નિલફોરોશાનનો મોત થયા હતાં.
ઇરાનના ઇઝરાયેલ પર ભીષણ હુમલાથી અમેરિકા પણ ચોંકી ઉઠ્યું હતું. પ્રમુખ બાઇડેને ઇરાનના આક્રમણ સામે ઇઝરાયેલના ડિફેન્સને મદદ આપવાની તેમજ ઇઝરાયેલને નિશાન કરતા મિસાઇલોને તોડી પાડવાની તેના લશ્કરને સૂચના આપી હતી.