(ANI Photo)

હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વચન આપ્યું હતું કે તમારા સંતાનોને આર્મીમાં મોકલવામાં અચકાશો નહીં. હરિયાણા અને કેન્દ્ર સરકાર દરેક અગ્નિવીરને પેન્શનપાત્ર નોકરી આપશે. પાંચ વર્ષ પછી તમને પેન્શનપાત્ર નોકરી વિના એક પણ અગ્નિવીર જોવા મળશે નહીં. તેમને CRPF, ITBP, BSF, SSB અને હરિયાણા સરકારમાં કાયમી નોકરી આપવામાં આવશે. અગ્નિવીર યોજનાનો હેતુ આર્મીને યુવાન બનાવવાનો છે.

હરિયાણા દરેક દસમો વ્યક્તિ આર્મીમાં હોવાનો ઉલ્લેખ કરીને ગૃહપ્રધાને જણાવ્યું હતું કે પીએમ મોદીએ વચન આપ્યું હતું કે અમે વન રેન્ક વન પેન્શન લાગુ કરીશું. કોંગ્રેસની ત્રણ પેઢીએ વન રેન્ક વન પેન્શનનો આદર કર્યો ન હતો અને તેનો અમલ થયો ન હતો. તમે મોદીને પીએમ બનાવ્યા ત્યારે તેમણે વન રેન્ક વન પેન્શન લાગુ કર્યું હતું.

હરિયાણામાં ‘જન આશીર્વાદ રેલી’માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા ‘જૂઠું બોલવાનું મશીન’ છે. “રાહુલ ગાંધી કહે છે કે અગ્નિવીર યોજના એટલા માટે લાવવામાં આવી છે, કારણ કે સરકાર પેન્શનપાત્ર નોકરીઓ આપવા માંગતી નથી. હું તમને કહું છું કે દરેક અગ્નિવીરને પેન્શનપાત્ર નોકરી આપવામાં આવશે.
કોંગ્રેસની ઝાટકણી કાઢતાં અમિત શાહે જણાવ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે તે કટ, કમિશન અને કરપ્શન પર ચાલતી હતી. ડીલરો, દલાલો અને દામાદોનું રાજ હતું. ભાજપ સરકારમાં ન તો ડીલરો કે દલાલો બાકી રહ્યા છે, જમાઈઓનો તો સવાલ જ નથી. હુડ્ડા સરકાર દરમિયાન કોંગ્રેસે માત્ર એક જિલ્લા અને એક જ્ઞાતિનો વિકાસ કર્યો હતો, પરંતુ ભાજપે સત્તા મેળવ્યા પછી સમગ્ર રાજ્યનો સમાન વિકાસ કર્યો છે. કોંગ્રેસે ‘ખરચી અને પરચી’ સિસ્ટમ પર નોકરીઓ આપી હતી, જ્યારે ભાજપે કોઈ ‘ખરચી અને પરચી’ વિના પાંચ લાખ નોકરીઓ આપી છે.

અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસના મંચ પરથી કેટલાંક લોકો પાકિસ્તાન તરફી નારા લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી કેમ ચૂપ છે? તે કેમ બોલતા નથી? કોંગ્રેસ તુષ્ટિકરણમાં આંધળી બની ગઈ છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવા માંગે છે. તેમની ત્રણ પેઢીઓ પણ કલમ 370 પાછી લાવી શકશે નહીં. કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકતો રહેશે

LEAVE A REPLY