ડેમોક્રેટીક પાર્ટીના પ્રેસિડેન્ટપદના ઉમેદવાર અને અમેરિકાના હાલના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે આગામી નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ પૂર્વે પોતાના રીપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પના સરહદી સુરક્ષા મુદ્દે રાજકીય પ્રહારોનો જવાબ આપતા સરહદોની સુરક્ષા માટે ચુસ્ત સુરક્ષા પગલા ભરવાની ખાતરી આપી હતી તેમજ અમેરિકાની ભાંગી પડેલી ઇમિગ્રેશન સિસ્ટમ દૂરસ્ત કરવાનો પણ પ્રજાજનોને વાયદો કર્યો હતો.
કમલા હેરિસે ગયા સપ્તાહે શુક્રવારે એરિઝોનાના ડગ્લાસમાં અમેરિકા-મેક્સિકો સરહદની મુલાકાત લીધી ત્યારે આ વાત કરી હતી. સરહદી સુરક્ષા મુદ્દે આકરુ વલણ અપનાવવા છતાં પણ કમલા હેરિસે કહ્યું હતું કે તેઓ હાલમાં અમેરિકામાં કોઇપણ દસ્તાવેજ વિના રહેતા ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવા માટેના ઉપાયોને પણ ટેકો આપે છે. હેરિસે કહ્યું હતું કે પ્રેસિડેન્ટ તરીકે હું કોંગ્રેસ સાથે મળીને એક લાંબા ગાળાનો માર્ગ તૈયાર કરવા માટે કામ કરીશ જેથી કરીને વર્ષોથી અમેરિકામાં રહેતા અને સખત મહેનતું ઇમિગ્રન્ટ્સને નાગરિકતા મળી શકે.
દેશની દક્ષિણી સરહદો પર સુરક્ષા સ્થિતિના મૂલ્યાંકન માટે કમલા હેરિસ એરિઝોના ગયા હતા.ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને આગામી ચૂંટણીના રીપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પની ઝાટકણી કાઢતા કમલા હેરિસે કહ્યું હતું કે રાજકારણીઓએ દેશની ભાંગી પડેલી ઇમિગ્રેશન સિસ્ટમ ફિક્સ (દૂરસ્ત) કરવા માટે સાથ આપવાનો ઇન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકનોમાં ગેરકાયદે ઇમિગ્રેશનના મુદ્દે ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે અને તાજેતરનાં વર્ષોમાં રેકોર્ડ સંખ્યામાં માઇગ્રન્ટ્સ અમેરિકામાં પ્રવેશ્યા છે. હેરિસે કહ્યું હતું કે, પ્રેસિડેન્ટ તરીકે હું આપણી ઇમિગ્રેશન સિસ્ટમ દૂરસ્ત કરવા રાજકારણને બાજુએ રાખી અને સમસ્યાનો ઉપાય શોધીશ, આ સમસ્યા લાંબા સમયથી છે. આ મુદ્દો દેશ માટે ઉકેલાય તે ખૂબ જ જરુરી છે.