(ANI Photo)

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની સિઝનના પ્રારંભ પૂર્વે ગર્વનિંગ કાઉન્સિલે ખેલાડીઓને રીટેઈન કરવા, રાઈટ ટુ મેચ તથા હરાજીમાં ખેલાડીને ચૂકવવામાં આવતી ફીને અંગે કેટલાક નિયમો નક્કી કર્યા છે. આ નિયમ આઈપીએલ 2025થી 2027ની સિઝન એમ ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે. આ નિયમમાં સૌથી વધુ મહત્વની બાબત વિદેશી ખેલાડીઓના પગારની છે. હવે આઈપીએલની હરાજીમાં ભારતીયોની તુલનાએ વિદેશી ક્રિકેટરને વધુ નાણાં નહીં આપી શકાય. એક રીપોર્ટ મુજબ વિદેશી ક્રિકેટરોના પગારની ટોચ મર્યાદા નિર્ધારિત થઈ ગઈ છે જેથી હવે તેમને ભારતીય ખેલાડીની તુલનાએ વધુ ફી નહીં મળે.

ગર્વનિંગ કાઉન્સિલના નિયમ મુજબ આઈપીએલ હરાજીમાં ફ્રેન્ચાઈઝ ખેલાડીને જાળવવા માટે સૌથી વધુ રૂ.18 કરોડ ખર્ચી શકશે. આનો અર્થ એ છે કે, આઈપીએલની કોઈપણ ટીમ ખેલાડીને રૂ.18 કરોડથી વધુમાં રીટેઈન નહીં કરી શકે. 2025ના મેગા ઓક્શનમાં કોઈ ભારતીય ખેલાડીને સૌથી ઊંચી બોલી સાથે ખરીદવામાં આવે તો 2026ની મીની હરાજીમાં વિદેશી ખેલાડીને એનાથી વધુ નાણાં નહીં મળે.

વિદેશી ખેલાડીઓની ફી નક્કી કરવા માટેના નિયમ મુજબ ખેલાડીને સૌથી વધુ રૂ.18 કરોડની ફી ચૂકવી શકાશે. ઉદાહરણ રૂપે મેગા ઓક્શનમાં કોઈ ભારતીય ખેલાડી માટે રૂ.16 કરોડની બોલી લાગે તો વિદેશી ખેલાડીને રૂ.16 કરોડથી વધુ નાણાં નહીં આપી શકાય. અન્ય કિસ્સામાં ભારતીય ખેલાડી માટે બે ટીમો વચ્ચે ખેંચતાણ થાય અને તેનો સોદો રૂ.20 કરોડમાં થાય તો પણ વિદેશી ખેલાડીને મહત્તમ રીટેઈનર કિંમત અર્થાત રૂ.18 કરોડ જ મળશે.

ઓક્શનમાં વિદેશી ખેલાડી માટે રૂ.18 કરોડથી વધુની બોલી લાગી શકે, પણ તે વિદેશી ખેલાડીને તો વધુમાં વધુ રૂ. 18 કરોડ જ ચૂકવી શકાશે, બાકીની રકમ ફ્રેન્ચાઈઝે બીસીસીઆઈને ખેલાડીઓના વેલફેર માટે આપી દેવાની રહેશે.
વિદેશી ખેલાડીઓ માટે આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં કેટલાક નિયમો ઘડાયા હતા.

તે મુજબ વિદેશી ખેલાડીઓએ આઈપીએલ મેગા ઓક્શનમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે. તેઓ નોંધણી નહીં કરાવે તો મીની ઓક્શનમાં ભાગ લઈ શકશે નહીં. ખાસ કરીને વિદેશી ખેલાડીઓ નોંધણી કરાવે નહીં તો પછી આઈપીએલમાં બે વર્ષ સુધી હરાજીમાં સામેલ નહીં થઈ શકે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓ કરારબદ્ધ થયા બાદ યેનકેન બહાના કરીને ટીમમાંથી ખસી જતા હોવાનું જણાયું છે. બોર્ડ આવા ખેલાડીઓ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યું છે. જો કોઈપણ ખેલાડીને ટીમમાં સ્થાન આપવામાં આવે છે અને તે પાછળથી ખસી જાય છે તો તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાગુ થઈ શકે છે.

LEAVE A REPLY