પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના આવકવેરા વિભાગે હિન્દુ ગ્રુપની કંપની હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ (HGS) પર આશરે રૂ.2,500 કરોડની કરચોરી કરવાનો આરોપ મૂક્યો છે. ટેક્સ અધિકારીઓએ જનરલ એન્ટી-એવોઈડન્સ રૂલને ટાંકીને દાવો કર્યો હતો કે HGSએ ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે તેના નફાકારક હેલ્થકેર ડિવિઝનને વેચ્યા પછી ખોટ કરતી કંપની સાથે મર્જર કર્યું હતું, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. જોકે કંપનીએ કોઇ ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી હોવાનો ઇનકાર કર્યો હતો.

હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઉક્ત M&A ટ્રાન્ઝેક્શન અંગે ગયા વર્ષના IT સર્વેમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં હતાં તથા કાયદાકીય અને કર નિષ્ણાતોના મંતવ્યો સાથે યોગ્ય જવાબો અને દસ્તાવેજો આપવામાં આવ્યાં હતાં. આ પછીથી અમને આવી કોઈ કથિત ડિમાન્ટ નોટિસ મળી નથી. જો કર સત્તાવાળાઓ નોટિસ મોકલશે તો તેઓ પ્રવર્તમાન પ્રક્રિયાઓ અને કાયદાઓ અનુસાર કાયદેસર રીતે લડત આપશે.

હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સે તેનો હેલ્થકેર સર્વિસ બિઝનેસ બેટાઈન BV (‘બાયર’)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓને વેચ્યો હતો. આ પછી કંપનીએ તેના ડિજિટલ મીડિયા એન્ડ કમ્યુનિકેશન બિઝનેસ NXT ડિજિટલ (NDL)ને તેનામાં મર્જ કરી હતી. આવકવેરા વિભાગે તેના તારણોમાં જણાવ્યું હતું કે NXT ડિજિટલ ખોટ કરતી કંપની હતી તથા ટેક્સ ટાળવાના એકમાત્ર હેતુ સાથે આ મર્જર કરાયું હતું. તેથી જ GAAR હેઠળ ₹1,500 કરોડ અને મૂડી લાભ માટે અન્ય ₹1,000 કરોડની ટેક્સ ડિમાન્ડ છે.

હિન્દુજા ગ્રૂપની અન્ય કંપનીઓમાં હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સ, હિન્દુજા બેંક (સ્વિટ્ઝર્લેન્ડ), અશોક લેલેન્ડ, અશોક લેલેન્ડ ફાઉન્ડ્રીઝ અથવા હિન્દુજા ફાઉન્ડ્રીઝ, સ્વિચ મોબિલિટી, પીડી હિન્દુજા નેશનલ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, હિન્દુજા ટેક લિમિટેડ, અને હિન્દુજા રિયલ્ટી વેન્ચર્સ વગેરેનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY