ભારત સરકારે ગુરુવારે કૃષિ અને ઔદ્યોગિક શ્રમિકો માટેના કેન્દ્રીય લઘુતમ વેતનને વધારીને દરરોજના રૂ.1,035 સુધી કર્યાં હતાં. કેન્દ્રના આ નિર્ણયથી મોંઘવારીને કારણે જીવનનિર્વાહના વધતા ખર્ચનો સામનો કરવામાં શ્રમિકોને મદદ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા લઘુત્તમ વેતનમાં વધારો કરવાથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, લોડિંગ અને અનલોડિંગ, સિક્યુરિટી ગાર્ડ્સ, હાઉસકીપિંગ, માઇનિંગ અને એગ્રીકલ્ચરમાં રોકાયેલા કામદારોને ફાયદો થશે.
નવા વેતન દરો 1 ઓક્ટોબર, 2024થી અમલમાં આવશે. સરકારે છેલ્લે આ વર્ષે એપ્રિલમાં લઘુત્તમ વેતનમાં વધારો કર્યો હતો.
નવા લઘુત્તમ વેતન મુજબ અકુશળ કેટેગરીમાં આવતાં બાંધકામ, સ્વીપિંગ, ક્લિનિંગ, લોડિંગ એન્ડ અનલોડિંગ કામદારોને દરરોજ રૂ.783 (માસિક રૂ.20,358) વેતન મળશે. અર્ધ-કુશળ કામદારો માટે લઘુત્તમ વેતનનો દર દરરોજના રૂ.868 (માસિક રૂ.22,568 પ્રતિ મહિને) રહેશે. કુશળ કેટેગરીમાં કારકૂન અને શસ્ત્ર વગરના વોચ એન્ડ વાર્ડ (ચોકીદાર) કામદારો માટે દરરોજનું વેતન રૂ.954 (રૂ. 24,804 પ્રતિ માસ) હશે. અત્યંત કુશળ અને શસ્ત્રો સાથેના વોચ એન્ડ વાર્ડ કામદારો માટે લઘુત્તમ વેતન દર દરરોજના રૂ. 1,035 (રૂ. 26,910 પ્રતિ માસ) હશે.કૌશલ્યના સ્તર અને ભૌગોલિક વિસ્તારોને આધારે કામદારોને લઘુતમ વેતનના દરો નિર્ધારિત કરાયા છે. આ માટે અકુશળ, અર્ધ-કુશળ, કુશળ અને ઉચ્ચ કુશળ જેવી કેટેગરી નિર્ધારિત કરાઈ છે. આ ઉપરાંત ભૌગોલિક વિસ્તારોને A, B, અને Cના આધારે વર્ગીકૃત કરાયા છે.