આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આઇએમએફએ આકરી શરતો સાથે 7 બિલિયન ડોલરના નવા બેઇલઆઉટ પેકેજની મંજૂરી મળી આપી હતી. આ પેકેજના ભાગરૂપે પાકિસ્તાનને તાકીદે 1.1 બિલિયન ડોલરની લોનનો પ્રથમ હપ્તો મળશે.
ઇસ્લામાબાદ તેના કૃષિ આવકવેરામાં જંગી વધારો કરવા, પ્રાંતોને કેટલીક નાણાકીય જવાબદારીઓ સ્થાનાંતરિત કરવા અને સબસિડી મર્યાદિત કરવા સંમત થયા પછી પાકિસ્તાન સાથે સ્ટાફ-લેવલના કરારને મંજૂરી આપવા માટે બુધવારે વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) બોર્ડની બેઠક મળી હતી.
વડાપ્રધાન કાર્યાલયે IMFના એક્ઝિક્યુટિવ બોર્ડે કુલ 7 બિલિયન ડોલરની 37-મહિનાની એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF)ને મંજૂરી આપી હોવાને પુષ્ટી આપી હતી. 1958 પછી પાકિસ્તાનને 25મી વખત આઇએમએફની સહાય મેળવી છે. પાકિસ્તાન IMF લોન પર લગભગ 5 ટકા વ્યાજ દર ચૂકવશે.
આ બેઇલઆઉટ પેકેજ મેળવવા માટે પાકિસ્તાને જનતા પરના રૂ.1.8 ટ્રિલિયનનો વધારાનો ટેક્સ બોજ નાંખ્યો છે. પાકિસ્તાનને વીજળીના દરમાં પણ 51 ટકા સુધીનો વધારો કર્યો છે અને સોવરેન હેલ્થ ફંડમાં પારદર્શકતા લાવવાનું વચન આપ્યું છે.
લોનની શરતો મુજબ પાકિસ્તાને આગામી વર્ષે જાન્યુઆરી સુધી કૃષિ આવક પરના ટેક્સના દરને હાલના 12-15 ટકાથી વધારીને 45 ટકા કરવો પડશે. તમામ પ્રાંતીય સરકારો વીજળી અને ગેસ પર વધુ સબસિડી આપવાનું ટાળશે અને IMF કરાર મુજબ કોઈ નવા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની સ્થાપના નહીં કરે.ફેડરલ સરકાર 2035 સુધીમાં કોઈપણ નવા આર્થિક ઝોન બનાવી શકશે નહીં તથા હાલના ઝોનના ટેક્સ પ્રોત્સાહનોને સમાપ્ત કરવા પડશે. પાકિસ્તાને ડિફેન્સ પરના ખર્ચમાં પણ કાપ મૂકવો પડશે. પાકિસ્તાને આઈએમએફ પ્રોગ્રામના સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયા, ચીન, UAE અને કુવૈતને 12.7 બિલિયન ડોલરનું દેવું પણ ચુકવી શકશે નહીં.