યુએસ ફેડરલ ટ્રેડ કમિશન(FTC)ના વડા લીના ખાને વોલસ્ટ્રીટ રોકાણકારોની ટીકાનો જવાબ આપતાં 20 સપ્ટેમ્બરે ન્યૂ યોર્કમાં જણાવ્યું હતું કે કંપનીઓ ડીલની પ્રક્રિયાની શરૂઆતમાં જ સ્પર્ધા વિરોધી પાસાંની વિચારણા કરી રહી છે તે આવકાર્ય છે.
FTC ઘણી વાર મર્જર-એક્વિઝિશનના ડીલમાં અવરોધ પેદા કરતું હોવાની ટીકા અંગેના એક સવાલનો જવાબ આપતા તેમણે કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સને જણાવ્યું હતું કે વિલીનીકરણની વધુ ચકાસણી થાય છે ત્યારે ગેરકાયદેસર વિલીનીકરણને અટકાવી શકાય છે. કાયદાના અમલકર્તા તરીકે હું ઇચ્છું છું કે લોકો વિચારે કે શું તેમનો સોદો કાયદાનું ઉલ્લંઘન કરે છે કે નહીં. જો કાયદાનો ભંગ ન હોય તો તે પ્રગતિ છે. જો તમે ડીલ ફી અને માત્ર તે પ્રકારની બાબતોથી ડીલની વિચારણા કરો છો તો તે તમને અપસેટ કરી શકે છે.
લીના ખાન કેટલાંક બિઝનેસ કમ્યુનિટીની ટીકાનો ભોગ બન્યા છે. વેપારી સમુદાયના કેટલાંક લોકો કહે છે કે FTC અને ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા પેન્ડિંગ ડીલની આકરી ચકાસણીથી મર્જર-એક્ઝિવિશન સામે અવરોધ આવે છે. ડેમોક્રેટિક પાર્ટીને ચૂંટણીફંડ આપનારા બે ધનિકોએ જુલાઇમાં માગણી કરી હતી કે જો કમલા હેરિસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાય તો તેમણે લીના ખાનને બદલી નાંખવા જોઇએ.