સમર હોલીડેઝ દરમિયાન ફેલાયેલી અવ્યવસ્થા વખતે બર્મિંગહામમાં સોશિયલ મીડિયા ટેલિગ્રામ પર જાતિવાદી સંદેશા પોસ્ટ કરવા માટે ક્રિસ નોલાનના નામનો ઉપયોગ કરનાર પાકિસ્તાની મૂળના એહસાન હુસૈન નામના 25 વર્ષના યુવાનને બુધવારે બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા 2 વર્ષ અને ચાર મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
વેસ્ટ મિડલેન્ડ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે વંશીય તિરસ્કારને ઉત્તેજીત કરવા માટે યાર્ડલીના એહસાન હુસૈને ક્રિસ નોલનના નામે “સાઉથપોર્ટ વેક અપ” નામના ટેલિગ્રામ ચેટ જૂથ પર લખ્યું હતું કે “જે આપણું છે તે પાછું લેવાની જરૂર છે.” 12,000થી વધુ સભ્યો ઘરાવતા ગૃપ પર હુસૈને લોકોને મુખ્યત્વે મુસ્લિમ નેઇબરહૂડના “આલમ રોક પર વિજય મેળવવા” માટે વિનંતી કરી તેમને ” દુર્ગંધયુક્ત સ્કમ્બેગ્સથી બામાર” કહ્યા હતા. અન્ય રેસીસ્ટ મેસેજ ઉપરાંત તેણે ‘’આ પા* ધૂળને બહાર કાઢો” એવા સુત્રો લખ્યા હતા. તે પાકિસ્તાનીઓને લક્ષ્યમાં રાખીને સંદેશાઓ મોકલતો હતો.
પોલીસે બર્મિંગહામમાં એલમ રોક અને બોર્ડેસલી ગ્રીનમાં અવ્યવસ્થા અને વંશીય હિંસા ઉશ્કેરતી પોસ્ટના કબજે કરેલા સ્ક્રીનશોટ રજૂ કર્યા હતા. હુસૈને, બર્મિંગહામ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 3 અને 6 ઓગસ્ટની વચ્ચે વંશીય તિરસ્કાર અંગેની કબુલાત કરી હતી.
હુસૈને અડધી સજા જેલના સળિયા પાછળ અને બાકીની અડધી સજા કડક લાઇસન્સ શરતો હેઠળ પેરોલ પર ભોગવવાની રહેશે.