જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન માટે બુધવારે ગંદેરબલ જિલ્લામાં લોકોએ લાંબી લાઇનો લગાવી હતી. (ANI Photo)

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 26 બેઠકો પર બુધવાર, 25 સપ્ટેમ્બરે શાંતિપૂર્ણ માહોલમાં એકંદરે 54 ટકા મતદાન થયું હતું. 2.5 મિલિયનથી વધુ મતદારો રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા સહિત 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં વિવાદાસ્પદ 370ની કલમની નાબૂદ પછી પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે અને લોકો મોટી સંખ્યામાં વિક્રમજનક મતદાન કરી રહ્યાં છે.

18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં પણ 61 ટકાથી વધુ મતદાન થયું હતું. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. મતોની ગણતરી 8 ઓક્ટોબરે થશે. રાજ્યમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસના ગઠબંધન અને ભાજપ વચ્ચે ટક્કર છે. પીડીપી પણ ચૂંટણીના મેદાનમાં છે.

ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 26 વિધાનસભા મતવિસ્તારોમાં સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યે પૂરું થયું હતું. 26 બેઠકોમાં છ જિલ્લામાં આવેલી છે. ત્રણ જિલ્લા કાશ્મીર ખીણ અને ત્રણ જિલ્લા જમ્મુ ડિવિઝનના હતા. ભારતના ચૂંટણી પંચે 3,502 મતદાન મથકો ઊભા કર્યા હતાં. મતદાન મથકોની આસપાસ પોલીસ, સશસ્ત્ર પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળોના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાયા હતા.

બીજા તબક્કા માટે, 157 વિશેષ મતદાન મથકો ઊભા કરાયા હતા, જેમાં મહિલાઓ સંચાલિત 26 ‘પિન્ક પોલિંગ સ્ટેશન’નો સમાવેશ થાય છે.

આ તબક્કા દરમિયાન, શ્રીનગર જિલ્લામાં 93 ઉમેદવારો, બડગામ જિલ્લામાં 46, રાજૌરી જિલ્લામાં 34, પૂંચ જિલ્લામાં 25, ગાંદરબલ જિલ્લામાં 21 અને રિયાસી જિલ્લામાં 20 ઉમેદવારો મેદાનમાં હતાં.

આ તબક્કામાં જે મુખ્ય નેતાઓનું ભાવિ નક્કી નક્કી થયું હતું, તેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હમીદ કારા અને BJP જમ્મુ કાશ્મીરના વડા રવિન્દર રૈનાનો સમાવેશ થાય છે.અબ્દુલ્લા ગાંદરબલ અને બડગામ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કારા સેન્ટ્રલ શાલટેંગથી ચૂંટણી લડી રહ્યા છે. રૈના રાજૌરી જિલ્લામાં તેમની નૌશેરા બેઠક જાળવી રાખવાનો પ્રયાસ કરશે. રાશિદ એન્જિનિયર તરીકે પ્રખ્યાત શેખ અબ્દુલ રશીદે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં તિહાર જેલમાંથી ચૂંટણી લડી હતી અને બારામુલા મતવિસ્તારમાંથી બે લાખથી વધુ મતોના માર્જિનથી અબ્દુલ્લાને હરાવવામાં સફળ રહ્યા હતા.

LEAVE A REPLY