REUTERS/Niharika Kulkarni/File Photo

મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના સોમવારે જારી કરાયેલા એક અભ્યાસમાં જણાવાયું હતું કે 2023-24ના નાણાકીય વર્ષમાં F&O સેગમેન્ટમાં આશરે 91 ટકા (73 લાખ વ્યક્તિગત ટ્રેડર)એ નાણા ગુમાવ્યા હતાં અને તેમને વ્યક્તિદીઠ સરેરાશ રૂ.1.2 લાખનું ચોખ્ખું નુકસાન થયું હતું. આ ઉપરાંત FY22થી FY24ના ત્રણ વર્ષ દરમિયાન આશરે એક કરોડ વ્યક્તિગત F&O ટ્રેડરોમાંથી 93 ટકાને સરેરાશ આશરે રૂ.2 લાખનું નુકસાન થયું હતું. આ નુકસાનમાં ટ્રાન્ઝેક્શન ખર્ચનો પણ સમાવેશ થાય છે. આવા નાના ટ્રેડરોનું કુલ નુકસાન આ સમયગાળામાં રૂ.1.8 લાખ કરોડ હતું.

સેબીના અભ્યાસમાં બહાર આવ્યું હતું કે એકલા FY24 વ્યક્તિગત રોકાણકારોએ લગભગ રૂ.75,000 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. નુકસાન વેઠનારા ટોચના 3.5 ટકા રોકાણકારો (આશરે 4 લાખ ટ્રેડરો)ને આ સમયગાળામાં વ્યક્તિગતદીઠ સરેરાશ રૂ.28 લાખનું નુકસાન થયું હતું. બીજી તરફ ત્રણ વર્ષના સમયગાળામાં માત્ર 7.2 ટકા વ્યક્તિગત એફ એન્ડ ઓ ટ્રેડરોએ નફો કર્યો હતો. માત્ર એક ટકા વ્યક્તિગત ટ્રેડરોને રૂ.1 લાખથી વધુ નફો થયો હતો.
શેરબજારમાં નાના ટ્રેડરોના ભોગે નફાખોરી કરતાં મોટા ખેલાડીઓના નામ જાહેર કરવાની માગણી કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે 90 ટકા નાના રોકાણકારોએ ત્રણ વર્ષમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડિંગમાં રૂ.1.8 લાખ કરોડ ગુમાવ્યા છે અને સેબીએ નાના રોકાણકારોના ભોગે નફો કરનારા કહેવાતા મોટા ખેલાડીઓના નામ જાહેર કરવા જોઇએ.

આ મુદ્દે એક્સ પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અનિયંત્રિત F&O ટ્રેડિંગમાં 5 વર્ષમાં 45 ગણો ઉછાળો આવ્યો છે. 90% નાના રોકાણકારોએ 3 વર્ષમાં રૂ.1.8 લાખ કરોડ ગુમાવ્યા છે. સેબીએ કહેવાતા ‘મોટા ખેલાડીઓ’ના નામ જાહેર કરવા જ જોઈએ, જેઓ નાના રોકાણકારોના ભોગે કમાણી કરી રહ્યાં છે.

LEAVE A REPLY