ભારતના મોટા વિસ્તારોમાં પુષ્કળ વરસાદ પછી સોમવાર, 23 સપ્ટેમ્બરથી નેઋત્યના ચોમાસાની પીછેહટની પ્રક્રિયા ચાલુ થઈ હતી. પશ્ચિમ રાજસ્થાન અને કચ્છમાંથી ચોમાસાએ સૌથી પ્રથમ વિદાય લીધી છે. આ ચોમાસામાં દેશભરમાં સામાન્ય કરતાં પાંચ ટકા વધુ વરસાદ થયો છે. આ સિઝનમાં દેશમાં 1 જૂનથી 23 સપ્ટેમ્બરની વચ્ચે 880.8 મીમી વરસાદ નોંધાયો હતો, જે 837.7 મીમીના સામાન્ય વરસાદ કરતાં વધુ છે.
ચોમાસાની વિદાયની આગાહી સાથે હવામાન કચેરીએ આગામી સપ્તાહમાં અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદની આગાહી કરી હતી.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી 23 સપ્ટેમ્બર, 2024ના રોજ વિદાય લીધી છે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં 17 સપ્ટેમ્બરે ચોમાસું વિદાય લેતું હોય છે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરિયાણા અને ગુજરાતમાંથી આગામી 24 કલાકમાં ચોમાસાની વિદાય માટે સાનુકૂળ સ્થિતિ છે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે. દેશના 36 હવામાન સબડિવિઝનમાંથી પાંચ સબ ડિવિઝનમાં ઓછો વરસાદ થયો છે. કુલ 36 પેટા વિભાગોમાંથી નવ ડિવિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેમાં રાજસ્થાન (74 ટકા), ગુજરાત (68 ટકા), મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.
ભારતમાં સામાન્ય રીતે, દક્ષિણપશ્ચિમ ચોમાસનો પ્રારંભ 1 જૂનની આસપાસ કેરળમાં થાય છે અને 15 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાંથી વિદાય લેતું હોય છે.