વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ન્યુયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધન કર્યું હતું. . (ANI Photo)

ન્યૂયોર્કમાં લોગ આઇલેન્ડના ખીચોખીચ ભરાયેલા નાસાઉ વેટરન્સ કોલિઝિયમમાં ઇન્ડિયા ડાયાસ્પોરાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 22 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ભારત વિપુલ તકોની ભૂમિ છે. તેમણે ત્રીજી ટર્મમાં ખૂબ મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યા છે. તેઓ આ ટર્મમાં ત્રણ ગણી જવાબદારીની ભાવના સાથે કામ કરી રહ્યાં છે. દરેક ભારતીયને ભારત અને તેની સિદ્ધિઓમાં વિશ્વાસ છે. ભારત આજે તકોની ભૂમિ છે. તે હવે તકોની રાહ જોઈ રહ્યું નથી. તે હવે તકોનું સર્જન કરી રહ્યું છે. વડાપ્રધાને બોસ્ટન અને લોસ એન્જલસમાં બે નવા કોન્સ્યુલેટ ખોલવાની પણ જાહેરાત કરી હતી અને ઇન્ડિયન ડાયાસ્પોરાને ભારતના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યાં હતાં.

‘મોદી-મોદી’ના નારા વચ્ચે હજારો ભારતીય અમેરિકનોને વડાપ્રધાને જણાવ્યું હતું કે આ લાંબી ચૂંટણી પ્રણાલી અને કપરી ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થયા પછી કંઈક અભૂતપૂર્વ બન્યું, શું થયું… ‘અબકી બાર મોદી સરકાર’. 60 વર્ષમાં પ્રથમ વખત ભારતની જનતાએ એવો જનાદેશ આપ્યો છે કે જેનું ઘણું મહત્વ છે. મારી ત્રીજી ટર્મ દરમિયાન મે ખૂબ જ મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કર્યા છે. આપણે ત્રણ ગણી તાકાત સાથે આગળ વધવાનું છે.

ભારત અને યુએસ વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં ભારતીય-અમેરિકનોની ભૂમિકાને બિરદાવતા તેમણે ઇન્ડિયન ડાયાસ્પોરાને ભારતના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવીને જણાવ્યું હતું કે “વિશ્વ માટે, AI શબ્દ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે વપરાય છે. પરંતુ હું માનું છું કે AI અમેરિકા-ઇન્ડિયન ભાવનાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય ડાયાસ્પોરા જ્યાં રહે છે ત્યાં દરેક ક્ષેત્રમાં સામાજિક અને રાષ્ટ્રીય વિકાસમાં પ્રદાન આપે છે. ગઈકાલે જ પ્રેસિડન્ટ બાઇડન મને ડેલાવેરમાં તેમના ઘરે લઈ ગયા. તેમનો સ્નેહ, તેમની હૂંફ, તે એક અદભૂત ક્ષણ હતી, જે મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. આ આદર 140 બિલિયન ભારતીયો માટે છે. આ આદર તમારા માટે અને તમારી સિદ્ધિઓ માટે છે.

માત્ર એક દાયકામાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે આ શક્ય બન્યું છે કારણ કે અમે અમારી જૂની વિચારસરણી બદલી છે. અમે અમારો અભિગમ બદલ્યો છે. અમે ગરીબોને સશક્ત બનાવ્યા છે. આ નવો મધ્યમ વર્ગ છે, જે ભારતના વિકાસને વેગ આપી રહ્યો છે.
મોદીએ કહ્યું હતું કે તેમણે પોતાનું જીવન સુશાસન અને સમૃદ્ધ ભારત માટે સમર્પિત કર્યું છે. નસીબથી તેઓ રાજકારણમાં આવ્યાં છે. તેમણે ક્યારેય મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન બનવાનું વિચાર્યું પણ ન હતું. છેલ્લા 10 વર્ષોમાં લોકોએ શાસનનું આ મોડેલ જોયું છે અને આ રીતે તેમને ત્રીજી મુદત માટે મત આપ્યા છે.

આ યુદ્ધનો સમય નથી તેવી અગાઉની ટીપ્પણીનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે આની ગંભીરતા બધા મિત્રો સમજી ગયા છે. ભારત આજે સમાન અંતર નહીં, પરંતુ તમામ સાથે સમાન નિકટતા જાળવી રાખવાની વિદેશ નીતિ ધરાવે છે. વિશ્વમાં કોઈ આપત્તિ આવે છે, ત્યારે ભારત પ્રથમ પ્રતિસાદ આપે છે. કોરોના કટોકટી દરમિયાન 150 દેશોને ભારતને કરેલી મદદનો પણ તેમને ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક વિકાસની પ્રક્રિયાને વેગ આપવા માટે ભારતની ભૂમિકા નિર્ણાયક હશે અને વૈશ્વિક શાંતિને વેગ આપવા માટે ભારતની ભૂમિકા નિર્ણાયક હશે. ભારતનું લક્ષ્ય તેના વૈશ્વિક પ્રભાવને વધારવાનું નથી, પરંતુ વૈશ્વિક સમૃદ્ધિમાં યોગદાન આપવાનું છે. ભારત યોગ, જીવનશૈલી અથવા પર્યાવરણને પ્રોત્સાહન આપી રહ્યું છે. તે માત્ર જીડીપી-કેન્દ્રિત નથી પરંતુ તમારા બધા માટે માનવ-કેન્દ્રિત વૃદ્ધિની ઇચ્છા રાખે છે. ભારત અગ્નિ જેવું નથી. આપણે સૂર્ય જેવા છીએ જે તેજ આપે છે

પશ્ચિમ દેશો દ્વારા ભારતની ટીકાનો જવાબ આપતા મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના વિનાશમાં ભારતની કોઈ ભૂમિકા નથી. ભારત વિશ્વની લગભગ 17 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમ છતાં કાર્બન ઉત્સર્જનમાં અમારું યોગદાન લગભગ ચાર ટકા છે.

ભારતની પ્રભાવશાળી ડિજિટલ પ્રગતિનો ઉલ્લેખ કરતાં મોદીએ ભારતીય અમેરિકનોને કહ્યું હતું કે અહીં તેમના ખિસ્સામાં પાકીટ હોઈ શકે છે, પરંતુ ભારતમાં લોકો પાસે ડિજિટલ વોલેટ છે. હવે ભારતને કોઈ રોકી શકશે નહીં. ભારત ‘મેડ ઈન ઈન્ડિયા’ ચિપ્સ સાથે મહત્તમ મોબાઈલ ફોનનું ઉત્પાદન કરવા માગે છે. આજનું ભારત મોટા સપના જુએ છે, મોટા સપનાનો પીછો કરે છે. ભારત હવે કોઇને અનુકરણ કરતું નથી. તે નવી સિસ્ટમો બનાવે છે અને આગેવાની કરે છે.

LEAVE A REPLY