દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકે આમ આદમી પાર્ટીનાં નેતા આતિશીએ શનિવારે સાંજે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ રાજ નિવાસ ખાતે આયોજિત એક સાદા સમારંભમાં આતિશીને મુખ્ય પ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા, આ સાથે આતિશી દિલ્હીનાં ત્રીજા મહિલા અને સૌથી યુવા મુખ્ય પ્રધાન બની ગયા છે. અગાઉ કોંગ્રેસના સ્વ. શીલા દીક્ષિત અને ભાજપના સ્વ. સુષ્મા સ્વરાજે દિલ્હીનું મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું. 17 સપ્ટેમ્બરના રોજ, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી સંબંધિત એક કેસમાં તિહાર જેલમાંથી જામીન પર છૂટ્યા પછી મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. પછી પક્ષની ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને સર્વસંમતિથી વિધાનસભામાં પક્ષનાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી સાથે ચાર જૂના પ્રધાનો- ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન સિવાય સરકારના નવા ચહેરાના રૂપે સુલતાનપુર માજરાના ધારાસભ્ય મુકેશકુમાર અહાવલતે પણ પ્રધાન પદના શપથ લીધા હતા.

આતિશીએ કહ્યું હતું કે, હું અરવિંદ કેજરીવાલની આ પદ પર બીજી વખત વાપસી સુધી તેમના માર્ગદર્શનમાં કાર્ય કરીશ. હું ધ્યાન રાખીશ કે દિલ્હીવાસીઓને મફત વીજળી, સારું શિક્ષણ અને મફત સારવાર જેવી સુવિધાઓ મળતી રહે. આતિશીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં ખુશી કરતાં દુ:ખ વ્યક્ત કરીને કહ્યું હતું કે, કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. આતિશીએ દિલ્હીના ધારાસભ્યો અને લોકોને અપીલ કરી હતી કે કોઈ મને શુભકામનાઓ ના આપે અને કોઈ હાર ના પહેરાવે. આતિશીએ સ્પષ્ટ કર્યું હતું કે, તે આ સરકારનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી જ મુખ્ય પ્રધાન રહેશે અને નવી ચૂંટણી પછી જો પાર્ટીની તરફેણમાં જનાદેશ આવશે તો કેજરીવાલ જ મુખ્ય પ્રધાન બનશે.

LEAVE A REPLY