એર ઈન્ડિયાએ સીએ પટેલ ઇન્વેસ્ટમેન્ટ્સના સીઇઓ અનિપ પટેલને તેમની પ્રથમ વર્ગની મુસાફરીમાં નિરાશાજનક અનુભવ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા પછી તેમને સંપૂર્ણ રીફંડ આપ્યું હતું. ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેને તાજેતરમાં નવી દિલ્હીથી શિકાગોની નોન-સ્ટોપ ફ્લાઇટમાં મુસાફરી કરી હતી, અને તેને તેમણે “સૌથી ખરાબ” વિમાની પ્રવાસ અનુભવ કહ્યો હતો. આ વાઇરલ વીડિયોમાં, અનિપ પટેલે 15 કલાકની ફ્લાઇટ દરમિયાન વાઇ-ફાઇના અભાવ અને મનોરંજન માટે તૂટેલી વ્યવસ્થા અંગે હતાશા વ્યક્ત કરીને, તેમના “દુઃસ્વપ્ન”સમાન પ્રવાસનું વર્ણન કર્યું. તેમણે ફર્સ્ટ-ક્લાસ કેબિનમાં ગંદકીની પણ ટીકા કરી હતી, ત્યાં વધેલા ભોજન અને કચરાની પણ સફાઇ કરવામાં આવી નહોતી. સીટનો મોટાભાગનો ભાગ ઘસાઈ ગયેલ અથવા તૂટેલો દેખાય છે. તેમણે જણાવ્યું હતું કે, “મેં ભૂતકાળમાં એર ઈન્ડિયા વિશે નકારાત્મક વાતો સાંભળી હતી, પરંતુ મને આશા હતી કે નવા મેનેજમેન્ટ હેઠળ તાજેતરમાં કરવામાં આવેલા નવા ફેરફારો સારો અનુભવ કરાવશે, પરંતું કમનસીબે, એવું થયું નહોતું.” એર ઇન્ડિયાના ધ્યાનમાં આ મુદ્દો આવતા તેમણે અનિપ પટેલને ટિકિટનું સંપૂર્ણ વળતર પરત ચૂકવ્યું હતું. પટેલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાહેર કર્યું હતું કે, એર ઇન્ડિયાએ સત્તાવાર ફરિયાદ નોંધાવ્યા વિના ટિકિટની સંપૂર્ણ કિંમત રૂપે 6,300 ડોલર પરત કર્યા હતા. તેમણે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અંતે તેમણે યોગ્ય કર્યું.”

 

LEAVE A REPLY