આંધ્રપ્રદેશ ખાતેના જગવિખ્યાત તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં અગાઉની સરકારમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હોવાના આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુના ગુરુવારના ચોંકાવનારા દાવાથી મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો.
રાજ્યમાં અગાઉની સત્તાધારી પાર્ટી YSRCPએ ચંદ્રબાબુ નાયડુ પર રાજકીય લાભ માટે ઘૃણાસ્પદ આરોપો કરવાનો આક્ષેપ કર્યો હતો. જોકે ટીડીપીએ દાવાને સમર્થન આપવા માટે ગુજરાત સ્થિત લેબ રિપોર્ટ ફરતો કર્યો હતો. આ દાવા પછી ભાજપે હિન્દુઓની લાગણી દુબાઈ હોવાનું જણાવીને તેની તાકીદે તપાસ કરવાની માગણી કરી હતી.
નાયડુએ દાવો કર્યો હતો કે અગાઉની વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી સરકારે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને પણ છોડ્યું ન હતું અને લાડુ બનાવવા માટે ગુણવત્તા વગરની વસ્તુઓ અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કર્યો હતો. TDP પ્રવક્તા અનમ વેંકટા રમના રેડ્ડીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે પ્રખ્યાત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા આપવામાં આવેલા ઘીના નમૂનાઓ પર ગુજરાત સ્થિત પશુધન પ્રયોગશાળામાં ભેળસેળની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કથિત લેબ રિપોર્ટ જાહેર કર્યો હતો, જે દેખીતી રીતે ઘીના નમૂનામાં “બીફ ટેલો”, “લાર્ડ” (ડુક્કરની ચરબી) અને “ફિશ ઓઇલ”ની હાજરીની પુષ્ટિ કરે છે.