બ્રિટિશ હિંદુઓ માટેની ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG)ની 11 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી પ્રથમ એન્યુઅલ જનરલ મીટીંગમાં બોબ બ્લેકમેન ચેરમેન તરીકે ફરીથી ચૂંટાયા હતા. પદાધિકારીઓ તરીકે લેબરના નવેન્દુ મિશ્રા, કોન્ઝર્વેટિવના શિવાની રાજા અને લિબરલ ડેમોક્રેટના લ્યુક ટેલરની વરણી કરાઇ હતી. વધુ સભ્યો ટૂંક સમયમાં જોડાય તેવી અપેક્ષા છે.

આ બેઠકમાં વિવિધ પક્ષોના સાંસદો બોબ બ્લેકમેન (કન્ઝર્વેટિવ), લ્યુક ટેલર (લિબરલ ડેમોક્રેટ), જિમ ડિક્સન (લેબર), બેરી ગાર્ડિનર (લેબર), નવેન્દુ મિશ્રા (લેબર), બોબી ડીન (લિબરલ ડેમોક્રેટ), શિવાની રાજા (કંઝર્વેટિવ) અને ડેરડ્રે કોસ્ટીગન (લેબર) ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે બ્રિટિશ હિંદુ સમુદાય પ્રત્યેની જૂથની પ્રતિબદ્ધતા, નવા સભ્યોનો પરિચય અને ચર્ચા કરવા માટેની ભાવિ યોજનાઓ સાથે છ મહિનાની કાર્ય યોજના નક્કી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

એડવોકસી ફોર બ્રિટિશ હિંદુઝ એન્ડ ઇન્ડિયન (ABHI) આ જૂથના સેક્રેટરિયેટ તરીકે ચાલુ રહેશે. ABHI હિંદુ તહેવારો, સામુદાયિક પ્રવૃત્તિઓ પર સલાહ આપવા અને APPGના કાર્યને સમર્થન આપવા માટે જવાબદાર રહેશે.

આ બેઠકમાં કન્ઝર્વેટિવ, લેબર અને લિબરલ ડેમોક્રેટ પક્ષોના પ્રતિનિધિઓ સહિત આઠ સાંસદો સાથે ક્રોસ પાર્ટી સહભાગિતા જોવા મળી હતી. આગામી દિવસોમાં APPGમાં વધારાના સભ્યો જોડાય તેવી અપેક્ષા છે.

LEAVE A REPLY