અમેરિકાની ફેડરલ રિઝર્વે 2020 પછી પ્રથમ વાર બુધવારે વ્યાજદરમાં 0.50 ટકાનો મોટો ઘટાડો કર્યો હતો. વ્યાજદરમાં આ ઘટાડો મોટાભાગના એનાલિસ્ટ્સ અને અર્થશાસ્ત્રીઓની અપેક્ષા કરતાં વધુ છે અને હવે તેનાથી દુનિયાભરમાં નીચા વ્યાજદરનો યુગ ચાલુ થઈ છે.
ફેડના આ નિર્ણયથી નવેમ્બરમાં પ્રેસિડન્ટની ચૂંટણીના બે મહિના પહેલા બેન્કો દ્વારા ગ્રાહકો અને બિઝનેસ પાસેથી વસૂલ કરવામાં વિવિધ લોનના વ્યાજદરમાં તીવ્ર ઘટાડો થશે.
ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ના કુલ 12માંથી 11 સભ્યોએ વ્યાજદરને 0.5 ટકા ઘટાડીને 4.75થી 5 ટકા કરવાની તરફેણ કરી હતી. જોકે અમેરિકામાં આ વ્યાજદરો પણ આશરે બે દાયકાના સૌથી ઊ્ંચા છે. ફેડે આ વર્ષના અંત ભાગ સુધીમાં વ્યાજદરમાં વધુ 0.5 ટકા અને 2025માં પણ વ્યાજદરમાં એક ટકા ઘટાડો કરવાનો સંકેત આપ્યો હતો.
ફેડના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે અમે મજબૂત શરૂઆત કરી છે. ઊચા ફુગાવા સાથે દેશનો મુકાબલો પૂરો થઈ ગયો હોવાના હોવાનો વિશ્વાસ છે. છેલ્લાં એક વર્ષમાં ફુગાવામાં તીવ્ર ઘટાડો થયો છે અને અર્થતંત્ર મજબૂત છે, પરંતુ અમે જોબ માર્કેટમાં નરમાઈનો સામનો કરવા અગાઉથી પગલાં લઈ રહ્યાં છીએ.
ડેમોક્રેટિક પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે અમેરિકનો માટે રેટ કટને “વેલકમ ન્યૂઝ” ગણાવ્યા હતાં. હું જાણું છું કે ઘણા મધ્યમ-વર્ગ અને કામ કરતા પરિવારો માટે કિંમતો હજુ પણ ખૂબ ઊંચી છે
જોકે રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ જણાવ્યું હતું કે વ્યાજદરમાં ઘટાડાનું મોટું પ્રમાણ દર્શાવે છે કે અર્થતંત્ર મુશ્કેલીમાં હોઈ શકે છે. તેઓ રાજકારણ રમી રહ્યાં નથી તેવું માનીએ તો પણ તેનાથી સંકેત મળે છે કે અર્થતંત્ર ખૂબ જ મુશ્કેલીમાં છે. જોકે પોવેલે અર્થતંત્ર મજબૂત હોવાનું જણાવ્યું હતું. અમેરિકામાં ગયા જુલાઈથે પોલિસી રેટ્સ 5.25થી 5.50ની રેન્જમાં છે.