ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પરમાર્થ નિકેતનના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીજીની પવિત્ર ઉપસ્થિતિ, માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સ્વર્ગાશ્રમ, બાગળા, રાજાજી નેશનલ પાર્ક અને ગંગાના કિનારે ત્રિરંગા રેલી સાથે 14 દિવસનું મેગા સ્વચ્છતા અભિયાન ચાલુ કરાયું હતું. પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીએ તેમના પ્રેરણાદાયી સંબોધનથી દરેકને તેમના વર્તન, મૂલ્યો અને સ્વભાવમાં સ્વચ્છતાનો અમલ કરવાની પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે દિવ્યાંગતા મુક્ત ભારત શિબિર દરમિયાન કૃત્રિમ અંગોનું વિશેષ વિતરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. તેમાં ધારાસભ્ય પ્રેમચંદ અગ્રવાલ અને પૂજ્ય સ્વામીજી સહિતના મહાનુભાવો સામેલ થયા હતાં.
પરમાર્થ નિકેતન ખાતે મા ગંગાની આરતી દરમિયાન, સ્વામીજીએ દરેકને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા અને સ્વચ્છતાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. તમામ ઉપસ્થિતોએ સ્વચ્છતાને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ કર્યો અને દરેકને તેને સમાજમાં ફેલાવવા પ્રેરણા આપી હતી.
સ્વચ્છતા હી સેવા-2024 ‘પ્રકૃતિ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ અભિયાન ભારતના મહેનતુ, કર્મયોગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આયોજિત સ્વચ્છતા પ્રત્યે જનભાગીદારી અને સામૂહિક પ્રયાસોને પુનર્જીવિત કરવાનો ઉત્તમ પ્રયાસ છે. પરમાર્થ નિકેતનમાં સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા શપથ અને સ્વચ્છતા સંકલ્પ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો.
સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે ‘પ્રકૃતિ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ અભિયાન દ્વારા મોદી ભારતને નવો આકાર આપી રહ્યા છે. હું ઋષિકેશના પરમાર્થ નિકેતનમાં ગંગાના કિનારે જોઈ રહ્યો છું, 10 વર્ષ પહેલાં જે સ્વચ્છતાનો દીપ પ્રગટ્યો હતો તે હવે એક મહાદીપ બનીને પ્રજ્વલિત થયો છે. અમે દરરોજ ગંગાજીની આરતી કરીએ છીએ અને જેના દ્વારા વિશ્વભરમાંથી ભક્તો આવે છે અને જોડાય છે,પરંતુ પાણીની શુદ્ધતા અને સ્વચ્છતા હવે અહીં બેઠેલા દરેક વ્યક્તિ અનુભવી રહી છે, આ બધું ભારતના મહેનતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત, નેતૃત્વ અને સૌના સામૂહિક પ્રયાસોને કારણે જ શક્ય બન્યું છે.
સ્વામીજીએ કહ્યું હતું કે હવે આપણે સૌનો એક જ મંત્ર હોવો જોઈએ – મારો દેશ, મારું ગૌરવ, મારું ગામ, મારું તીર્થ અને તેના માટે સ્વચ્છતા એ જ સેવા છે, સ્વચ્છતા એજ ધર્મ છે, સ્વચ્છતા એ જ પૂજા છે. સ્વચ્છતા આપણી સંસ્કૃતિ બનવી જોઈએ અને સ્વચ્છતા આપણો સ્વભાવ બનવો જોઈએ અને આ યાત્રા ઘરથી શેરી, શેરીથી ગામડા સુધી અને દેશ સુધીની સફર બનવી જોઈએ.
પરમાર્થ ગુરુકુલના ઋષિકુમારોએ પરમાર્થ નિકેતનથી ગંગા કાંઠા અને રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન સુધી વિશાળ ત્રિરંજા સ્વચ્છતા રેલી કાઢી હતી. જેમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. રેલી દરમિયાન સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ પોસ્ટરો, બેનરો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.ઉપરાંત બાળકો અને યુવાનોને પણ સ્વચ્છતાનું મહત્વ અને તેના પાલન વિશે માહિતી આપવામાં આવી હતી.