એક મહત્વપૂર્ણ નિર્ણયમાં અમેરિકાના વિદેશ વિભાગે સોમવાર, 9 સપ્ટેમ્બરે વૈશ્વિક સેમિકંડક્ટર ઇકોસિસ્ટમના ભૌગોલિક વૈવિધ્યીકરણ માટે ભારતના સેમિકન્ડકર મિશન સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. ઇન્ટરનેશનલ ટેક્નોલોજી સિક્યોરિટી એન્ડ ઇનોવેશન (આઇટીએસઆઇ) ફંડ હેઠળ બંને દેશ વચ્ચે વૈશ્વિક સેમિકંડક્ટર સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવાની દિશામાં પ્રયાસો કરાશે. આ જાહેરાત પછી ઇન્ડિયન સેમિકન્ડકર મિશન (ISM)એ વિદેશી ચિપમેકર્સ, પેકેજર્સ, ટેસ્ટર્સ અને કમ્પોનન્ટ સપ્લાયર્સને આકર્ષવા માટે એક નવું પ્રોત્સાહક પેકેજ રજૂ કરવાની તૈયારી ચાલુ કરી હતી.
ભાગીદારીના પ્રારંભિક તબક્કામાં ભારતની વર્તમાન સેમિકંડક્ટર ઇકોસિસ્ટમ અને નિયમનકારી માળખાનું વ્યાપક મૂલ્યાંકન કરાશે. આ ઉપરાંત ક્ષેત્રમાં કામ કરતા લોકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયોતોની ચકાસણી કરાશે. અમેરિકન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય અંતર્ગત ભારતના સેમિકંડક્ટર મિશન સાથે ભાગીદારી બંને દેશ લાભાન્વિત થાય એ રીતે ભારતના સેમિકંડક્ટર ઉદ્યોગના સંભવિત વિસ્તરણ પર ભાર મૂકે છે.
અમેરિકન એમ્બેસીએ જણાવ્યું હતું કે, ચિપ્સ એક્ટ ૨૦૨૨ દ્વારા રચાયેલા આઇટીએસઆઇ ફંડ હેઠળ સેમિકંડક્ટર ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યીકરણ માટે ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય અને અમેરિકા વચ્ચે ભાગીદારી થશે.
અમેરિકાએ જણાવ્યું હતું કે ભાગીદારીને પગલે વધુ સુરક્ષિત અને ટકાઉ વૈશ્વિક સેમિકંડક્ટર વેલ્યૂ ચેઇનના નિર્માણમાં મદદ મળશે. વૈશ્વિક સેમિકંડક્ટર સપ્લાય ચેઇન વિશ્વમાં ચાલી રહેલા ગ્લોબલ ડિજિટલ પરિવર્તન સાથે કદમ મિલાવવામાં સક્ષમ રહે તે અમેરિકા અને ભારત નિશ્ચિત કરશે.
આઇટીએસઆઇ ફંડ અમેરિકાના વિદેશ મંત્રાલયને નાણાકીય વર્ષ ૨૦૨૩થી પાંચ વર્ષ સુધી દર વર્ષે ૫૦ કરોડ ડોલર પૂરા પાડે છે. ફન્ડિંગનો હેતુ અમેરિકાના સાથી દેશો અને ભાગીદારોને સુરક્ષિત અને ભરોસાપાત્ર ટેલિકોમ ટેક્નોલોજી, સેમિકંડક્ટર સપ્લાય ચેઇન અને અન્ય કાર્યક્રમોના વિકાસમાં મદદ કરવાનો છે.