(ANI Photo)

ભ્રષ્ટાચારના કેસોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવાર, 17 સપ્ટેમ્બરે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું અને નવા મુખ્યપ્રધાન તરીકે દિલ્હીના પ્રધાન આતિશીની પસંદગી કરી હતી. આતિશી કોંગ્રેસના શીલા દીક્ષિત અને ભાજપના સુષ્મા સ્વરાજ પછી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યપ્રધાન હશે.

AAP ધારાસભ્યોની બેઠકમાં, પાર્ટીના નેતા દિલીપ પાંડેએ દરખાસ્ત મૂકી હતી કે કેજરીવાલ મુખ્યપ્રધાનના ચહેરા પર નિર્ણય લે. AAPના રાષ્ટ્રીય સંયોજકે આતિશીના નામની દરખાસ્ત કરી હતી ત્યારે તમામ AAP ધારાસભ્યોએ ઉભા થઈને તેનો સ્વીકાર કર્યો અને આતિષીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં.

આતિશી હવે દિલ્હી સરકારમાં શિક્ષણ અને જાહેર બાંધકામ વિભાગ જેવા મુખ્ય પોર્ટફોલિયો ધરાવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રોડ્સના વિદ્વાન આતિશીએ દિલ્હીની શાળાઓમાં શિક્ષણને સુધારવા માટે AAPની મુખ્ય કવાયતમાં વ્યાપકપણે યોગદાન આપ્યું હતું.

દિલ્હીની કાલકાજી બેઠકના ધારાસભ્ય 43-વર્ષીય આતિશી દિલ્હીની હાલની દારૂની નીતિ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવ્યા પછી પ્રધાન બન્યા હતાં. કેજરીવાલ અને સિસોદિયા જેલના સળિયા પાછળ હતા, ત્યારે આતિશીએ પાર્ટીની કામગીરી સંભાળી હતી.

શરાબ કૌભાંડ સંબંધિત કેસમાં શરતી જામીન મેળવીને છ મહિના પછી જેલમાંથી બહાર આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવાર, 15 સપ્ટેમ્બરે રાજીનામું આપવાની અચાનક જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ મુખ્યપ્રધાન કાર્યાલયમાં ન જવાની અને કોઇ સત્તાવાર ફાઇલ પર હસ્તાક્ષર ન કરવાની શરતો રાખી હતી, તેથી સુપ્રીમે કેજરીવાલેને જામીન આપ્યા હતાં, પરંતુ મુખ્યપ્રધાનને જામીન આપ્યા ન હતાં. આ ઉપરાંત આગામી વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેથી ઘણા રાજકીય નિરીક્ષકો કેજરીવાલની આ જાહેરાતને માસ્ટરસ્ટ્રોક માને છે. કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં ફેબ્રુઆરીમાં નિર્ધારિત થયેલ ચૂંટણીઓ મહારાષ્ટ્રની ચૂંટણીની સાથે નવેમ્બરમાં યોજવાની પણ માગણી કરી હતી.

LEAVE A REPLY