દિલ્હી કેપિટલના સહમાલિક કિરણ કુમાર ગ્રાંધી(Photo by MANJUNATH KIRAN/AFP via Getty Images)

આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમના સહ-માલિક જીએમઆર ગ્રુપે ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ટીમ હેમ્પશાયરનો 49 ટકા હિસ્સો 120 મિલિયન પાઉન્ડમાં ખરીદવાનો સોદો કર્યો છે. ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં કોઇ વિદેશ રોકાણકારોએ પ્રથમ વખત રસ દર્શાવ્યો છે. આ ઉપરાંત યોર્કશાયરનો હિસ્સો ખરીદવા માટે રાજસ્થાન રોયલ્સ વાટાઘાટો કરી રહી હોવાનું માનવામાં આવે છે.

આ કરાર મુજબ GMR ગ્રુપ શરૂઆતમાં હેમ્પશાયરમાં 49% હિસ્સો મળશે અને બાકીનો 51% હિસ્સો ભવિષ્યમાં હસ્તગત કરી શકશે. ડીલ આશરે રૂ.1200 કરોડના વેલ્યુએશન સાથે થઈ છે. આ નવી ભાગીદારીથી જીએમઆર ગ્રુપને યુટિલિટા બાઉલ ક્રિકેટ સ્ટેડિયમ, હિલ્ટન હોટેલ અને ક્રિકેટ ગ્રાઉન્ડને અડીને આવેલા 18-હોલ ગોલ્ફ કોર્સ પર અંકુશ મળશે.

જીએમઆર હાલમાં IPL, UAEમાં ILT20 અને યુએસએમાં મેજર લીગ ક્રિકેટની ટીમોમાં હિસ્સો ધરાવે છે. આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ને 18 ફર્સ્ટ-ક્લાસ કાઉન્ટીઓના ખાનગીકરણની મંજૂરી મળી હતી. હેમ્પશાયરમાં GMR ગ્રૂપનું રોકાણ કોઇ IPL ફ્રેન્ચાઇઝી દ્વારા ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ટીમમાં રોકાણનો પ્રથમ દાખલો છે.

ECB નાણાકીય સ્થિરતા હાંસલ કરવા માગે છે અને ધ હન્ડ્રેડનું ખાનગીકરણ આ વ્યૂહરચનાનો એક ભાગ છે. રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ જેવી અન્ય IPL ફ્રેન્ચાઈઝીઓએ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં રસ દાખવ્યો છે.

આ ગતિવિધિથી વાકેફ સૂત્રે જણાવ્યું હતું કે “આઇપીએલ ફ્રેન્ચાઇઝીસ તરફથી ઘણો રસ જોવા મળશે, કારણ કે તેમની પાસે પૈસા છે અને ઇસીબી માટે લાંબા સમયથી ઇચ્છિત નાણાકીય સ્થિરતા હાંસલ કરવાની આ એક સુવર્ણ તક છે.” ધ હન્ડ્રેડના ફોર્મેટમાં સંભવતઃ ફેરફાર કરવા અંગે ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ ટુર્નામેન્ટનું બ્રાન્ડિંગ યથાવત રહેવાની ધારણા છે. આ ટુર્નામેન્ટને T20 ફોર્મેટમાં શિફ્ટ કરાય તેવી પ્રબળ શક્યતા છે.

LEAVE A REPLY