અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો રવિવારે વધુ નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ ખાતેના પોતાના ગોલ્ફ કોર્સમાં ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યાં હતાં ત્યારે ફાયરિંગ થયું હતું, એમ ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફપીઆઇ)એ જણાવ્યું હતું. પોલીસે રાયન વેસ્લી રુથ નામના શકમંદની ધરપકડ કરી હતી. બે મહિના ટ્રમ્પ પરનો આ બીજો હુમલો છે. અગાઉ પેન્સિલવેનિયામાં એક ચૂંટણીપ્રચાર રેલીમાં તેમના પર ફાયરિંગ થયું હતું અને તેમના જમણા કાનમાં નાની ઈજા થઈ હતી.

આ ઘટના સ્થાનિક સમય અનુસાર લગભગ બપોરે 1:30 વાગ્યે બની હતી. સિક્રેટ સર્વિસ એજન્ટોએ ગોલ્ફ કોર્સ પાસે એક વ્યક્તિને AK-47 સાથે જોયો હતો. એજન્ટોએ તેના પર ગોળીબાર કર્યો હતો. શકમંદ ઘટનાસ્થળે એક AK-47-સ્ટાઇલ એસોલ્ટ રાઇફલ અને અન્ય વસ્તુઓ છોડીને વાહનમાં ભાગી ગયો હતો અને બાદમાં તેની ધરપકડ કરાઇ હતી.
આ ઘટના પછી તરત ટ્રમ્પ કેમ્પેઈન કોમ્યુનિકેશન્સના ડાયરેક્ટર સ્ટીવન ચ્યુંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ તેમની આસપાસના વિસ્તારમાં ગોળીબાર બાદ સુરક્ષિત છે. આ સમયે કોઈ વધુ વિગતો ઉપલબ્ધ નથી. પોતાના સમર્થકોને એક સંદેશમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સુરક્ષિત છે. મારી આસપાસમાં ગોળીબાર થયો હતો, પરંતુ અફવાઓ ફેલાય તે પહેલાં, હું ઈચ્છું છું કે તમે પહેલા આ સાંભળો: હું સલામત અને હેમખેમ છું! હું ક્યારેય શરણાગતિ નહીં સ્વીકારું!”

વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે પ્રેસિડન્ટ જો બિડેન અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ બંનેને આ ઘટના વિશે જાણકારી અપાઈ છે. પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડન્ટને ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગોલ્ફ કોર્સમાં સુરક્ષા ઘટના વિશે માહિતી આપવામાં આવી છે, જ્યાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ટ્રમ્પ ગોલ્ફ કરી રહ્યા હતા. તેઓએ એ જાણીને રાહત અનુભવી છે કે તેઓ સુરક્ષિત છે.
એફબીઆઈએ કહ્યું હતું કે આ ફાયરિંગ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ હોવાનું જણાય છે અને તેની તપાસ ચાલુ કરાઈ છે. ફાયરિંગની ઘટના બની તે જ કેમ્પસમાં ટ્રમ્પ કેમ્પેઇનનું હેડક્વાર્ટર છે.

LEAVE A REPLY