વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ‘દીપજ્યોતિ’ નામના નવા મહેમાનનું 14 સપ્ટેમ્બરે આગમન થયું હતું. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xમાં આ નવા મહેમાન વિશે માહિતી શેર કરી હતી. આ મહેમાન ગાયનું વાછરડું છે.
નરેન્દ્ર મોદીએ એક વીડિયો ક્લિપ શેર કરતા જણાવ્યું હતું કે ‘આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે- ગામ: સર્વસુખ પ્રદા: પ્રધાનમંત્રી આવાસ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે. મારા નિવાસસ્થાને પ્રિય ગૌ માતાએ એક વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું ચિહ્ન છે. તેથી મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.’
મોદીનો આ વાછરડા સાથેનો વીડિયો અને ફોટા વાયરલ બન્યાં હતા. આ પહેલા મકરસંક્રાંતિના અવસર પર મોદી તેમના નિવાસસ્થાને ગાયની સેવા કરતા જોવા મળ્યા હતાં. આ ઉપરાંત નરેન્દ્ર મોદીનો મોર સાથેનો ફોટો પણ સામે આવ્યો હતો. આ ફોટામાં તે મોરને પોતાના હાથથી ખવડાવતા જોવા મળ્યાં હતાં.