વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશા રાજ્યોની મુલાકાત લેશે અને વિકાસના અનેક પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન 15 સપ્ટેમ્બરે ઝારખંડની મુલાકાત લેશે અને તેઓ ટાટાનગર જંક્શન રેલવે સ્ટેશન, ઝારખંડ ખાતે ટાટાનગર-પટણા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને અર્પણ કરશે. ટાટાનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)નાં 20,000 લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ પણ કરશે.

વડાપ્રધાન 16 સપ્ટેમ્બરે સવારે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત વીજળી યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદઘાટન કરશે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને સેકટર 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. પછી અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન 17 સપ્ટેમ્બરનાં રોજ ઓડિશાની મુલાકાત લેશે અને સવારે પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરીનાં લાભાર્થીઓ સાથે વાત કરશે. ત્યારબાદ ભુવનેશ્વરમાં 3800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે.

LEAVE A REPLY