વૈશ્વિક કક્ષાની ફાર્માસ્યુટિકલ કંપનીના ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ પર તાજેતરમાં બોસ્ટનની ફેડરલ કોર્ટમાં ગુપ્ત માહિતી દ્વારા ઇન્સાઇડર ટ્રેડિંગ કરીને કથિત રીતે 250,000 ડોલર કરતાં વધુ નાણા કમાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ન્યૂજર્સીમાં હિલ્સબરોના રહેવાસી 55 વર્ષીય દિશાંત ગુપ્તા પર સિક્યુરિટીઝ ફ્રોડનો એક આરોપ મૂકવામાં આવ્યો હતો. તેઓ હવે પછી બોસ્ટનની ફેડરલ કોર્ટમાં હાજર થશે.
આરોપ નામામાં જણાવ્યા મુજબ દિશાંત ગુપ્તા વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની (કંપની A)ની બોસ્ટનસ્થિત ઓફિસમાં સ્ટ્રેટેજી અને ઓપરેશન્સ બાબતોના ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. 2022માં તેમણે કંપનીમાં તેમની નોકરી દરમિયાન, કથિત રીતે એ હકીકત વિશેની ગુપ્ત માહિતી મેળવી હતી કે તેમની કંપની બોસ્ટનસ્થિત અન્ય નાની ફાર્મા કંપની (કંપની B)ની કેટલીક મિલકતો ખરીદવા માટે મંત્રણા કરી રહી હતી, જેમાં તે કંપનીની કેન્સરની દવાનો સમાવેશ થાય છે, અને તે પછી કંપની Bને સંપૂર્ણ રીતે હસ્તગત કરવા સહમત થઈ હતી.
દિશાંત ગુપ્તાએ વિશ્વાસનું ઉલ્લંઘન કરીને આ સમગ્ર ગુપ્ત માહિતી જાણીને કથિત રીતે કંપની Bના શેર પોતાના અને તેમની પત્નીના નામે ખરીદ્યા હતા. તેમણે અંદાજે અઢી મહિનામાં વિવિધ એકાઉન્ટસ દ્વારા કંપની Bના 300,000થી વધુ શેર ખરીદ્યા હતા. તેમના પર પોતાની કંપની દ્વારા કંપની Bના હસ્તાંતરણની જાહેરાત થયા પછી તેના ખરીદેલા તમામ શેર વેચવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે, ગુપ્તાએ આ શેર વેચીને તેમાંથી 250,000 ડોલરથી વધુની કમાણી કરી હતી.
સિક્યુરિટીઝ ફ્રોડના આરોપમાં 20 વર્ષ સુધીની જેલની સજા, ત્રણ વર્ષ સુધી નિરીક્ષણ હેઠળ મુક્ત રહેવાની સજાની જોગવાઇ છે. આ ઉપરાંત 5 મિલિયન ડોલર સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ગુપ્તા વિરુદ્ધ સિક્યુરિટીઝ કાયદાના ઉલ્લંઘનની ફરિયાદ કરી હતી.
અત્યારે ગુપ્તા સામે માત્ર આરોપ મુકવામાં આવ્યા છે, જ્યાં સુધી તેઓ કોર્ટમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેમને નિર્દોષ માનવામાં આવે છે.

 

LEAVE A REPLY