બ્રિટિશ પ્રિન્સ હેરીના વિઝાની સ્થિતિ અંગે કન્ઝર્વેટિવ બૌદ્ધિક સંસ્થા (થિંક ટેન્ક) ધ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા કેસને “રદ્” કરવામાં આવ્યો હતો, તેવું ન્યૂઝવીકના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, ન્યાયમૂર્તિ નિકોલ્સે પ્રિન્સ હેરીના વિઝા રેકોર્ડની ખાનગી રીતે સમીક્ષા કરવાની વિનંતી કરી હતી, અને પ્રેસિડેન્ટ જો બાઇડેનના એડમિનિસ્ટ્રેશનના વકીલોએ એપ્રિલમાં એ વાતની પુષ્ટિ કરી હતી કે તેમણે આ વિનંતીનું પાલન કર્યું છે.
આ કેસ ડ્યુક ઓફ સસેક્સની આત્મકથા-સ્પેરમાં સ્વીકારવામાં આવેલી કેટલીક બાબતો કેન્દ્રિત હતો, જેમાં તેમણે કોકેઈન, ગાંજા અને જાદુઈ મશરૂમ્સ જેવા ગેરકાયદે દ્રવ્યોના સેવન અંગે જાહેર ચર્ચા કરી હતી. તેમણે લખ્યું હતું કે, “હું એ સમયે કોકેઈનનું સેવન કરતો હતો. કોઈના ઘરમાં, વીકેન્ડમાં શૂટિંગ દરમિયાન, મને એક ઓફર કરવામાં આવી હતી, અને ત્યારથી મેં તેનો થોડા વધુ ઉપયોગ કર્યો હતો.”
હેરિટેજ ફાઉન્ડેશને એવી દલીલ કરી હતી કે, પ્રિન્સ હેરીએ કરેલી આ કબૂલાત “ફક્ત આ એક જ એવું તથ્ય છે જે તેમને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે અસ્વીકાર્ય ઠેરવે છે”. ફાઉન્ડેશને પ્રિન્સ હેરીના વિઝા ડોક્યુમેન્ટસને જાહેર કરવાની માગણી કરીને ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) સામે ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન એક્ટ (FOIA)નો કેસ દાખલ કર્યો હતો.
બીજી તરફ, સરકારી વકીલોએ જણાવ્યું હતું કે, “હેરીના વિઝા રેકોર્ડ્સ જાહેર કરવાથી તેની ગુપ્તતાનું ઉલ્લંઘન થશે. આ સંવેદનશીલ રેકોર્ડ હોવાથી તેને જાહેર કરવાથી અમેરિકામાં પ્રિન્સ હેરી વિશેની થોડી માહિતી બહાર આવશે, જે તેમણે જાહેર કરી નથી.” તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે FOIA નિયમો અંતર્ગત ” રેકોર્ડ પરથી જાહેર થશે કે પ્રિન્સ હેરીએ અમેરિકા જવા માટે કયા પ્રકારનાં ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કર્યો હતો, તેમની પ્રવેશની સ્થિતિ, અને કોઈપણ ઇમિગ્રેશન, અથવા બિન-ઇમિગ્રેશન, વગેરે જે સુવિધાની માગણી કરી હશે તે તમામ બહાર આવશે.”
કોર્ટના રેકોર્ડ્સમાંથી જાણી શકાય છે કે, વોશિંગ્ટન, ડી.સી.માં ન્યાયમૂર્તિ કાર્લ જે. નિકોલ્સ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા અનેક સીલબંધ આદેશોને પગલે, 9 સપ્ટેમ્બરના રોજ આ કેસને અધિકૃત રીતે “રદ્” કરવામાં આવ્યો હતો. જોકે, આ કેસને ફગાવવા પાછળનો ચોક્કસ કારણની સાથે હેરીના વિઝા ડોક્યુમેન્ટસ ગુપ્ત રહેશે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

LEAVE A REPLY