Bollywood legend Amitabh Bachchan turned 80
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

રણબીર કપૂરની કારકિર્દીમાં સૌથી સફળ ફિલ્મ તરીકે ‘એનિમલ’નું નામ આવે છે. આ ફિલ્મના રિલીઝના નવ મહિના પછી પણ રણબીરની આ એક્શન ડ્રામાના ડાયલોગ્સને લોકો વાગોળી રહ્યા છે. ખાસ કરીને રણબીર કપૂરના આલ્ફા મેલ કેરેક્ટર અંગે હજુ પણ ચર્ચાઓ થઈ રહી છે. પોતાના કેરેક્ટરને સારા કે ખરાબ ગણવાની ચર્ચાથી રણબીર કપૂર દૂર રહ્યો છે અને તેણે નવી ફિલ્મની તૈયારી પણ શરૂ કરી દીધી છે.

નીતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી ‘રામાયણ’ સફળતાની દૃષ્ટિએ ‘એનિમલ’ને પણ ઝાંખી પાડી દેશે, તેવું ઘણાં લોકો માને છે. આ ફિલ્મમાં રણબીરની સાથે સાઉથની એક્ટ્રેસ સાઈ પલ્લવી લીડ રોલમાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના રોલમાં જોવા મળશે તે નક્કી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુના બે અવતાર જોવા મળશે. આ બે અવતાર એટલે ભગવાન રામ અને ભગવાન પરશુરામ. આ બંને ભૂમિકા રણબીર કપૂર ભજવશે.

‘રામાયણ’માં ભગવાન પરશુરામનો રોલ મહત્ત્વનો છે. સીતા માતાના સ્વયંવરમાં ભગવાન રામે ધનુષ તોડ્યા પછી પરશુરામ ગુસ્સે ભરાય છે અને યુદ્ધ માટે લલકારે છે. આ સમયે તેમનો અને ભગવાન રામનો સંવાદ ખૂબ માર્મિક છે. ભગવાન પરશુરામના આ રોલમાં રણબીર કપૂરને ઓળખવાનો પણ અઘરો બનશે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ પૂર્ણ થયું છે અને ફિલ્મની વિગતો બહાર ન જાય તેની કાળજી રાખવામાં આવી હતી.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સ્પેશિયલ ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતા છે. અમિતાભ બચ્ચન છેલ્લે પ્રભાસ સાથે ‘કલ્કિ 2898 એડી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ રહી હતી અને બચ્ચનના ખૂબ વખાણ થયા હતા. ‘રામાયણ’માં અમિતાભ બચ્ચન આવે તો તેઓ કયો રોલ કરશે તે અંગે અટકળો ચાલી રહી છે. સૂત્રો કહે છે કે, સીતા માતાના હરણ વખતે જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. જટાયુના આ પાત્રને અમિતાભ બચ્ચન અવાજ આપશે. એટલું જ નહીં, જટાયુને વધારે અસરકારક બનાવવા માટે વીએફએક્સની મદદથી તેને અમિતાભ બચ્ચનની આંખો આપવામાં આવે છે. જોકે, આ તમામ અટકળો અંગે ફિલ્મના નિર્માતા તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

LEAVE A REPLY