જાણીતા ભારતીય લેખક અમિતાવ ઘોષને તેમના પુસ્તક ‘સ્મોક એન્ડ એશેસ: ઓપીયમ હિડન હિસ્ટ્રીઝ’ માટે મંગળવારે તા. 10ના રોજ £25,000નું ઇનામ ધરાવતા અગ્રણી આંતરરાષ્ટ્રીય નોન-ફિક્શન પુરસ્કાર બ્રિટિશ – એકેડેમી બુક પ્રાઈઝ ફોર ગ્લોબલ કલ્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ 2024 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
કોલકાતામાં જન્મેલા ઘોષ યુ.એસ.માં વસે છે અને જજીસે તેમની પ્રશંસા કરી હતી. “સ્મોક એન્ડ એશેસ: ઓપીયમ્સ હિડન હિસ્ટ્રીઝ’માં, અમિતાવ ઘોષે 18મી સદીથી વર્તમાન સમયની અફીણની કટોકટી અને વૈશ્વિક અફીણના વેપારની આર્થિક અને સાંસ્કૃતિક અસરોને ટ્રેસ કરવા માટે સંશોધનો કર્યા છે.
બ્રિટિશ એકેડેમીના ફેલો, જજીસ કમીટીના અધ્યક્ષ પ્રોફેસર ચાર્લ્સ ટ્રિપે જણાવ્યું હતું કે “અમે લેખનની ગુણવત્તા અને સંશોધનની ઊંડાઈથી ખૂબ જ પ્રભાવિત થયા છીએ, પરંતુ અમારા લેખકો તાકીદના વૈશ્વિક મુદ્દાઓને પ્રકાશિત કરવા અને જેઓ બદલાવ લાવ્યા છે તેમને સન્માનિત કરવા માટે તૈયાર છે. આ સમયે જ્યારે એવું લાગે છે કે વૈશ્વિક સાંસ્કૃતિક સમજણમાં થોડોક અભાવ છે ત્યારે અમે આશા રાખીએ છીએ કે બ્રિટિશ એકેડેમી બુક પ્રાઈઝ અને આ છ પુસ્તકો આપણી સહિયારી દુનિયાને જોવાની રીતને બદલવામાં ભાગ ભજવશે.”
ટ્રિપ પત્રકાર અને બ્રોડકાસ્ટર રિતુલા શાહ 2024 જજિંગ પેનલમાં જોડાયા છે અને તેમની સાથે પ્રોફેસર ચક્રવર્તી રામ પ્રસાદ, પ્રોફેસર રેબેકા અર્લ, બ્રિજેટ કેન્ડલ પણ જોડાયા છે.
આ વર્ષના વિજેતાની જાહેરાત 22 ઓક્ટોબરના રોજ લંડનમાં એક એવોર્ડ સમારંભમાં કરવામાં આવશે, જેમાં શોર્ટલિસ્ટેડ દરેક લેખકને £1,000 મળશે. ‘કોર્ટિંગ ઈન્ડિયાઃ ઈંગ્લેન્ડ, મુઘલ ઈન્ડિયા એન્ડ ધ ઓરિજિન્સ ઓફ એમ્પાયર’ માટે ગયા વર્ષે વિજેતા ભારતીય મૂળના લેખક નંદિની દાસ હતા.