(ANI Photo)
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોઈન અલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 37 વર્ષના આ ઓલરાઉન્ડરને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વ્હાઇટ બોલ સિરીઝમાં તક નહીં મળતાં તેણે આ જાહેરાત કરી હતી.
2019માં વન-ડે વર્લ્ડ કપ અને 2022માં ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય મોઈને એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હવે તે 37 વર્ષનો થયો છે. આ મહિને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે તેની પસંદગી નથી કરાઈ. ઇંગ્લેન્ડ માટે પોતે ઘણું રમ્યો છે. હવે આગામી પેઢી માટેનો સમય છે, એવું મને કહેવાયું હતું. મને લાગ્યું કે આ યોગ્ય સમય છે. મેં મારું કામ કર્યું છે.’
મોઈન છેલ્લે ટી-20 વર્લ્ડ કપ-2024માં ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. ગયાનામાં ભારત સામેની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડનો પરાજય થયો હતો.
મોઈન અલીએ પણ 2021માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. બે વર્ષ પછી, 2023માં, તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિમાંથી પરત ફર્યો હતો. એ પછી તેને જેક લીચના સ્થાને એશિઝ શ્રેણી માટે પસંદ કરાયો હતો.
મોઈને આ નિર્ણય ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ, ઇંગ્લેન્ડના હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમ અને ઇંગ્લેન્ડ ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર રોબર્ટ કીઝ સાથે વાત કર્યા બાદ લીધો હતો.
મોઈન ઓલરાઉન્ડર તરીકે 68 ટેસ્ટ, 138 વન-ડે અને 92 ટી-20 મેચ રમ્યો હતો. તેણે તમામ ફોર્મેટમાં મળી 8 સદી અને 28 અડધી સદી સહિત 6678 રન કર્યા હતા, તો 366 વિકેટ પણ લીધી હતી.

LEAVE A REPLY