અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટી ખાતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવાર, સપ્ટેમ્બર 10, 2024એ સંવાદ કર્યો હતો. (PTI Photo)

અમેરિકાના પ્રવાસ દરમિયાન ભાજપ, આરએસએસ, ચૂંટણીપંચ સહિતના મુદ્દે મોદી સરકારની આકરી ટીકા કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં ભાજપે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ચૂંટણીમાં વારંવાર પરાજયથી હતાશ થયા છે અને વિદેશમાં જઇને ભારતની બદનામી કરી રહ્યાં છે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે જણાવ્યું હતું કે માત્ર હતાશ વ્યક્તિ જ દેશને બદનામ કરી શકે છે અને વિદેશમાં તેની છબી બગાડી શકે છે. હવે તે માત્ર સરકાર પર જ નહીં પરંતુ ચૂંટણી પંચ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. બીજા દેશમાં પોતાના દેશની ટીકા કરવી એ દેશભક્તિનું કૃત્ય ન હોઈ શકે.રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે અને આ પદની જવાબદારીનું વહન કરવું જોઇએ. વારંવારની હારને કારણે, રાહુલ નિરાશ અને હતાશ છે અને વિદેશમાં પોતાની હતાશાને બહાર કાઢી રહ્યાં છે.

યુ.એસ.ની પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ સોમવારે આક્ષેપ કર્યો હતો કે લોકસભાની ચૂંટણી સમાન ધોરણે લડવામાં આવી નથી. શીખ સમુદાય અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતમાં શીખોને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ અને તે ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે કે કેમ તે મુદ્દે લડાઈ સમાપ્ત થઈ નથી. આ લડાઈ માત્ર તેમના માટે જ નહીં પરંતુ તમામ ધર્મોની લડાઈ છે.

શીખ સમુદાય અંગેની રાહુલ ગાંધીની ટીપ્પણીથી પણ વિવાદ ઊભો થયો હતો. ભાજપે આ નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો અને રાહુલ ગાંધી વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની ચીમકી પણ આપી હતી. એનડીએ સરકારના કેન્દ્રિય પ્રધાન હરદીપ સિંહ પુરીએ પણ 1984માં થયેલા શીખ નરસંહાર અંગે રાહુલ ગાંધીને અને કોંગ્રેસને ઘેર્યા હતાં.

 

LEAVE A REPLY