monkeypox positive
REUTERS/Dado Ruvic/Illustration/File Photo/File Photo

દુનિયાના ઘણા દેશોમાં મંકીપોક્સના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે ભારતમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીની ઓળખ થઈ છે અને તેને હોસ્પિટલમાં આઇસોલેટ કરાયો છે. જોકે આનાથી ગભરાટનું કોઇ કારણ નથી, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું. ભારતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ સામે આવતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી હતી અહેવાલો મુજબ આરોગ્ય મંત્રાલયે શંકાસ્પદ વ્યક્તિઓની સ્ક્રીનિંગ અને કોન્ટેક્સ ટ્રેસિંગ કરવાની સલાહ આપી હતી.

મંકીપોક્સના કેસ નોંધાયા છે તેવા દેશમાંથી આવેલા આ દર્દીના સેમ્પલ લેવાયા છે અને ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે. આ કેસમાં સ્થાપિત પ્રોટોકોલ અનુસાર કામગીરી થઈ રહી છે. સંભવિત સ્ત્રોતોને ઓળખવા અને દેશમાં તેની અસરનું મૂલ્યાંકન કરવા માટે સંપર્ક ટ્રેસિંગ ચાલુ છે.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)એ હાથ ધરેલા અગાઉના રિસ્ક મેનેજમેન્ટ હેઠળ આ કેસની ઓળખ થઈ છે અને હાલમાં અયોગ્ય ચિંતાનું કોઇ કારણ નથી. દેશ આવા અલગ-અલગ ટ્રાવેલ-સંબંધિત કેસોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને કોઈપણ સંભવિત જોખમનો સામનો કરવા મજબૂત વ્યવસ્થાતંત્ર ઊભું કરાયું છે.

આફ્રિકાના ઘણા દેશોમાં મંકીપોક્સના ફેલાવાની પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ  ગયા મહિને બીજી વખત આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી (PHEIC) જાહેર કરી હતી. 2022થી ભારતમાં મંકીપોક્સના 30 કેસ નોંધાયા છે. છેલ્લો કેસ આ વર્ષે માર્ચમાં જોવા મળ્યો હતો.

WHOના અગાઉના નિવેદન મુજબ, 2022થી 116 દેશો મંકીપોક્સના 99,176 કેસ નોંધાયા છે અને તેનાથી 208 દર્દીના મોત થયા છે. ગયા વર્ષે નોંધાયેલા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધી વિશ્વના વિવિધ દેશોમાં મંકીપોક્સના 15,600 કેસ નોંધાયા છે અને 537 મોત થયા છે. ભૂતકાળમાં શીતળાના દર્દીઓમાં જોવા મળ્યા હતા તેવા લક્ષણો મંકીપોક્સમાં પણ જોવા મળે છે. જોકે તેના કેસો ઓછા ગંભીર હોય છે. આ ચેપ અસગ્રસ્ત વ્યક્તિના લાંબા અને ગાઢ સંપર્ક મારફત ફેલાય છે.

 

 

LEAVE A REPLY