પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારે વરસાદના થોડા દિવસો પછી આશરે ચાર દિવસમાં એક રહસ્યમય બિમારીને કારણે ચાર બાળકો સહિત 13 લોકોના મોત થયા હતાં. ડોકટરો હજુ સુધી રોગનું ચોક્કસ નિદાન કરી શક્યા નથી. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં આશરે ચાર દિવસ દરમિયાન 13 લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.

ભેખડા ગામને અડીને આવેલા સાંદ્રો ગામમાં રવિવારે સવારે 12 વર્ષના બાળકનું મોત થયું હતું. રહસ્યમય રોગથી મૃત્યુ પામેલા દર્દીઓમાં તાવ, શરદી, ઉધરસ અને ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળ્યાં હતાં. ઉંચા તાવને પગલે યુવાન દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી હતી અને ફેફસાં અને લીવરને નુકસાન થવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા.કેટલાક વૃદ્ધ દર્દીઓ તાવ આવ્યાના બે દિવસમાં જ મૃત્યુ પામ્યા હતાં. આરોગ્ય વિભાગ આ કેવા પ્રકારનો તાવ છે તેનું નિદાન કરી શક્યો નથી. ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ જ તેની પુષ્ટિ થશે.

મૃત્યુનું કારણ જાણવા માટે રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે. ટીમને બે દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.

લખપત તાલુકા પંચાયતના ભૂતપૂર્વ સભ્યે જણાવ્યું હતું કે દર્દીઓને પહેલા વર્માનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દર્દીઓને દયાપર સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી પણ એક દર્દીને અમદાવાદ સારવાર માટે લઈ જવાયો હતો.
કચ્છના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે, મૃત્યુ ન્યુમોનિયાના કારણે થયા હોવાનું જણાય છે. તે ચેપી રોગ હોય તેવું લાગતું નથી. ડેન્ગ્યુ, મેલેરિયા, H1N1 સ્વાઈન ફ્લૂ અને ન્યુમોનિયાના ટેસ્ટ માટે માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્તોના પરિવારના સભ્યોને અપડેટ આપવામાં આવી રહ્યા છે અને આરોગ્ય વિભાગની 22 ટીમો આના પર ચાંપતી નજર રાખી રહી છે.

LEAVE A REPLY