(ANI Photo)

ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં રોકેટ અને ડ્રોન હુમલા પછી શનિવારે સ્થિતિ વણસી હતી. બે જૂથો વચ્ચે નવેસરથી ભડકેલી હિંસામાં શનિવારે ઓછામાં છ લોકોના મોત થયા હતાં.શુક્રવારે સુરક્ષા દળોએ ચુરાચંદપુર જિલ્લામાં ઉગ્રવાદીઓના ત્રણ બંકરોને નષ્ટ કર્યાં હતા. અગાઉ ઉગ્રવાદીઓએ  બિષ્ણુપુરમાં કરેલા રોકેટ હુમલા એક વ્યક્તિનું મોત થયું હતું અને છ અન્ય ઘાયલ થયા હતાં. શુક્રવારની રાત્રે બિષ્ણુપુર અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ઘણા ડ્રોન ઉડતાં જોવા મળ્યા પછી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગયા વર્ષના મે મહિના ચાલુ થયેલી મૈતેઇ અને આદિવાસી કુકી સમુદાય વચ્ચેની  હિંસામાં અત્યાર સુધી આશરે 200થી વધુ લોકોના મોત થયા છે, પરંતુ ડ્રોન અને રોકેટ હુમલા પ્રથમ વખત થયા છે.

પોલીસે જણાવ્યું હતું કે શનિવારે રિરીબામ જિલ્લામાં એક વ્યક્તિને ઊંઘમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ પછી બે સમુદાયો વચ્ચેના એકબીજા પરના ભીષણ ફાયરિંગ ચાલુ થયું હતું. જિલ્લા વહીવટી મથકથી લગભગ 5 કિમી દૂર એકાંત સ્થળે એકલા રહેતા વ્યક્તિના ઘરમાં ઉગ્રવાદીઓ ઘૂસી ગયા હતાં અને તેને ઊંઘમાં ગોળી મારી દીધી હતી. આ પછી સાત કિમી દૂર પર્વતીયાળ પ્રદેશમાં બે ગ્રુપ વચ્ચેના ગોળીબારમાં ચાર વ્યક્તિના મોત થયા હતાં. તેમાં પર્વત પરના ત્રણ ઉગ્રવાદીઓનો સમાવેશ થાય છે.

અગાઉ કુરાધોરમાં ગામના શંકાસ્પદ સ્વયંસેવકોએ નિવૃત્ત પોલીસ અધિકારીના ત્યજી દેવાયેલા ત્રણ ઓરડાના મકાનને આગ ચાંપી દીધી હતી. આદિવાસી સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબ્સ એડવોકેસી કમિટી (ફેરઝાલ અને જીરીબામ) આ ઘટનામાં કોઈપણ સંડોવણીનો ઈન્કાર કર્યો હતો.

પહેલી ઓગસ્ટે મેતૈઇ અને હમાર સમુદાય વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવા છતાં નવેસરથી હિંસા ચાલુ થઈ છે.

દરમિયાન સુરક્ષા દળોએ શુક્રવારે ચુરાચંદપુર જિલ્લાના મુલસાંગ અને લાઇકા મુલસૌ ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને આતંકવાદીઓના ત્રણ બંકરોનો નાશ કર્યો હતો. ઉગ્રવાદીઓ બિષ્ણુપુર જિલ્લાના બે સ્થળોએ લાંબા અંતરના રોકેટ છોડ્યાં હતા. આવા એક હુમલામાં એકમાં એક વરિષ્ઠ નાગરિકનું મોત થયું હતું અને અન્ય છ ઘાયલ થયા હતાં.

ઇમ્ફાલ વેલીના બિષ્ણુપુર જિલ્લામાં બે રોકેટ હુમલા પછી ફરી તંગદિલી ઊભી થયેલી હતી. આ અગાઉ ઇમ્ફ્રા વેસ્ટ ડિસ્ટ્રિક્ટના બે સ્થળો પર લોકો પર ડ્રોનથી બોંબવર્ષા કરાઈ હતી. બિષ્ણુપુર અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ઘણા વિસ્તારોમાં શુક્રવારે રાત્રે બહુવિધ ડ્રોન ઉડતાં જોવા મળ્યા પછી સ્થાનિક લોકોએ તેમના ઘરની લાઇટ બંધ કરી દીધી હતી. બિષ્ણુપુર જિલ્લાના નરૈનસેના અને નામ્બોલ કામોંગ તથા ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પુખાઓ, દોલૈથાબી અને શાંતિપુરમાં ઘણા ડ્રોન ઉડતાં જોવા મળ્યા હતા અને તેનાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.

 

એન્ટી ડ્રોન સિસ્ટમ, મિલિટરી હેલિકોપ્ટર તૈનાત

મણિપુર સરકારે શનિવારે હવાઈ પેટ્રોલિંગ માટે લશ્કરી હેલિકોપ્ટર અને ડ્રોન વિરોધી સિસ્ટમ તૈનાત કરી હતી. છેલ્લાં એક સપ્તાહમાં રોકેટ અને ડ્રોન હુમલા પછી સરકારે આ નિર્ણય કર્યો હતો. સત્તાવાળાએ જણાવ્યું હતું કે કુકી ઉગ્રવાદીએ કરેલા હુમલામાં 63 વર્ષના એક વૃદ્ધનું મોત થયું હતું. મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચાવિચારણ કરવા શનિવારે સાંજે સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યોની ઇમર્જન્સી બેઠક બોલાવી હતી.

LEAVE A REPLY