અમેરિકામાં ઇન્ડિયન અમેરિકન સમુદાયના એક અગ્રણી સંગઠને મુખ્ય બેટલગ્રાઉન્ટ રાજ્યમાં ડેમોક્રેટિક પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપવા માટે ‘ઈન્ડિયન અમેરિકન્સ ફોર હેરિસ’ નામની કેમ્પેઇન ચાલુ કરી હતી.
“ઈન્ડિયન અમેરિકન્સ ફોર હેરિસ” અભિયાન મંગળવારે શરૂ કરાયું હતું.
સંગઠનના સભ્યોના જણાવ્યા અનુસાર આ અભિયાનનો હેતુ અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ભારતીય વારસાના પ્રથમ વ્યક્તિ હેરિસને ચૂંટીને ઈતિહાસ રચવાનો છે. નોર્થ કેરોલિના સ્થિત બિઝનેસમેન સ્વદેશ ચેટરજીએ જણાવ્યું હતું કે આપણી પાસે પહેલીવાર કોઈ એવી વ્યક્તિ છે, જેની માતા ભારતીય મૂળની છે. તેમને ભારતીય વારસો અને સંસ્કૃતિની જાણકારી છે. આપણે ઇન્ડિયન અમેરિકનોએ રાજકીય અભિપ્રાયોને બાજુ પર રાખીને તેમને ટેકો આપવો જોઇએ. દેશમાં સર્વોચ્ચ હોદ્દા માટે કમલા નામની વ્યક્તિ ચૂંટણી લડી રહી હોય તેવું અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. 2001માં ભારત-યુએસ સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ કમલા હેરિસને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં.
નોર્થ કેરોલિના, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, એરિઝોના અને જ્યોર્જિયાને મુખ્ય બેટલગ્રાઉન્ડ રાજ્યો ગણાવીને ચેટર્જીએ જણાવ્યું હતું કે ગ્રાસરુટ ઝુંબેશનો હેતુ આવા રાજ્યોમાં ભારતીય અમેરિકનોને એકજૂથ કરીને હેરિસને મત આપવા પ્રોત્સાહિત કરવાનો તથા કમલા હેરિસને ભારતીય મૂળની પ્રથમ અમેરિકન પ્રેસિડન્ટ બનાવવાનો છે.
કેમ્પેઇન વેબસાઇટમાં જણાવાયું હતું કે કે બે વંશનો વારસો ધરાવતા હેરિસ અમેરિકા વિવિધ સંસ્કૃતિ-વિચારધારાનો સંગમ હોવાનું ઉત્તમ ઉદાહરણ છે. અમેરિકા વિશ્વભરના લોકો માટે આશ્રયસ્થાન રહ્યું છે. કમલાની પૃષ્ઠભૂમિ દેશના ઘણા લોકો જેવી છે. અમેરિકામાં ઓછામાં ઓછી 12.5 ટકા વસ્તી બાયરેશિયલ છે. અમેરિકામાં ભારતીય-અમેરિકનની સંખ્યા હવે 50 લાખના આંકની નજીક પહોંચી છે, જેમાંના એક તૃતીયાંશ લોકો દેશમાં જન્મેલા છે. હેરિસને ગર્વ છે કે તેમનો ઉછેર ભારતીય સંસ્કૃતિ અને વારસા સાથે ઊંડો સંબંધ ધરાવતી ભારતીય માતા દ્વારા થયો છે.
જૂથના સભ્યોએ કહ્યું હતું કે અમેરિકાના સૌથી સફળ ઇમિગ્રન્ટ ગ્રૂપમાં સ્થાન ધરાવતા ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી માટે ઉજવણીનો સમય આવી ગયો છે, કારણ કે સર્વોચ્ચ હોદ્દા પર તેમના પોતાના એક વ્યકિત બેઠા હશે. વિશ્વ અને અમેરિકા બંને માટે આ એક ગર્વની ક્ષણ છે. અમે કમલા હેરિસને સમર્થન આપવા વિનંતી કરીએ છીએ, કારણ કે તે યોગ્ય સમય માટે યોગ્ય પસંદગી છે. વિશ્વ અસમાનતા અને વિસંગતતાથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે યુએસ અને મુક્ત વિશ્વના નેતૃત્વ માટે કમલા હેરિસની જરૂર છે.