જાણીતા ટાઇમ મેગેઝિને તેની પ્રતિષ્ઠિત ‘ટાઇમ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન એઆઇ 2024’ યાદી જાહેર કરી છે. આ યાદીમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જેઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્યને ઘડી રહ્યા છે. આ વર્ષની યાદીમાં એવા અનેક ઇન્ડિયન-અમેરિકન ઇન્નોવેટર્સ અને જાણીતા લોકોને સ્થાન મળ્યું છે, જેઓ આ ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. આ લોકોમાં ગૂગલની સીઇઓ સુંદર પિચાઇ, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા, એમેઝોનના રોહિત પ્રસાદ સહિતના લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં આન્સર એન્જિનના અરવિંદ શ્રીનિવાસ, યુએનમાં ટેકનોલોજી બાબતોના એમ્બેસેડર અમનદીપ સિંઘ ગિલ, બિનનફાકારક સંસ્થા-કલેક્ટિવ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટનાં દિવ્યા સિદ્ધાર્થ, પ્રોટોનના અનંત વિજય સિંહ, ખોસલા વેન્ચર્સના વિનોદ ખોસલા, દ્વારકેશ પોડકાસ્ટના દ્વારકેશ પટેલ, યુએસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં ડાયરેક્ટર આરતી પ્રભાકરનો સમાવેશ થાય છે. આ યાદીમાં વિદેશવાસી ભારતીયો સિવાય ભારતની કેટલીક જાણીતી વ્યક્તિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને બોલીવૂડના પીઢ અભિનેતા અનિલ કપૂરનો પણ સમાવેશ થાય છે. અનિલ કપૂરે તેમના જેવી વર્તણૂક કરવાના મુદ્દે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બિનઅધિકૃત ઉપયોગની વિરુદ્ધમાં ગત સપ્ટેમ્બરમાં દિલ્હી હાઇકોર્ટમાં કેસ કર્યો હતો અને તેમાં તેમની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.

LEAVE A REPLY