ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહ (ANI/REUTERS Photo)

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને એક મોટો આંચકો આપીને મુખ્ય સાથી જગમીત સિંહની ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ આગામી વર્ષે સામાન્ય ચૂંટણી પહેલા ટ્રુડોની લઘુમતી લિબરલ સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે.પાર્ટીના નેતા જગમીત સિંહએ જણાવ્યું હતું કે તેઓ ટ્રુડોની લિબરલ સરકાર સાથેની સપ્લાય-એન્ડ-કોન્ફિડન્સ એગ્રીમેન્ટનો અંત લાવી રહ્યાં છે. NDP નેતાની આ જાહેરાતથી ટ્રુડો સરકાર માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેમણે તેમણે બજેટ પસાર કરવા અને વિશ્વાસ મત ટકાવી રાખવા માટે હાઉસ ઓફ કોમન્સમાં અન્ય વિપક્ષી સભ્યોનો ટેકો મેળવવો પડશે.

માર્ચ 2022માં થયેલી સમજૂતી જૂન 2025 સુધી ચાલવાની હતી અને NDPના નિર્ણયે ટ્રુડોની સરકારને લઘુમતીમાં મૂકી દીધી છે. સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતાએ આક્ષેપ કર્યો હતો કે ટ્રુડોએ વારંવાર સાબિત કર્યું છે કે તેઓ હંમેશા કોર્પોરેટ લોભને શરણે થયા છે. લિબરલ્સ ખૂબ જ નબળા, ખૂબ સ્વાર્થી અને કોર્પોરેટ હિતોને શરણે થાય છે, જેથી તેઓ કન્ઝર્વેટિવ્સ અને તેમની ખર્ચ કપાત યોજનાઓને અટકાવી શકે તેમ છે. પરંતુ એનડીપી આવું કરી શકે છે. મોટા કોર્પોરેશનો અને સીઈઓની સરકારનો સમય પૂરો થયો છે. આ લોકોનો સમય છે. લિબરલ્સે લોકોને નિરાશ કર્યા છે. તેઓ કેનેડિયનો તરફથી બીજી તકને લાયક નથી.

એનડીપીના પ્રવક્તાએ સીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે કરારને સમાપ્ત કરવાની યોજના પર છેલ્લા બે અઠવાડિયાથી કામ ચાલી રહ્યું હતું. પરંતુ લિબરલ સરકારને વીડિયો લાઇવ થવાના થોડી મિનિટો પહેલાં નિર્ણયની જાણ કરાઈ હતી.

માર્ચ 2022માં બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી મુજબ એનડીપીએ વિશ્વાસના મત પર સરકારને સમર્થન આપવાની પ્રતિબદ્ધતા આપી હતી.

જગમીત સિંહની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા ટ્રુડોએ કહ્યું હતું કે તેમની સરકાર હાલની કટોકટી અને આબોહવા પરિવર્તનને પહોંચી વળવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હું અન્ય લોકોને રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવા દઈશ. આગામી ચૂંટણી આગામી વર્ષ સુધી નહીં યોજાય તેથી તેમની સરકાર પાસે ફાર્માકેર, ડેન્ટલ કેર અને સ્કૂલ ફૂડ પ્રોગ્રામ પર આગળ વધવાનો સમય છે.

દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડા (CPC)ના નેતા પિયર પોઈલીવરે NDP નેતાને “સેલઆઉટ સિંઘ” કહીને અને વીડિયો પરની તેમની જાહેરાતને “મીડિયા સ્ટંટ” ગણાવ્યો હતો.

LEAVE A REPLY