અમેરિકાના જ્યોર્જિયાના વિન્ડરમાં એપલાચી હાઈસ્કૂલમાં બુધવાર, 5 સપ્ટેમ્બરે ટીનેજર વિદ્યાર્થીએ કરેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હતાં અને બીજા નવ ઘાયલ થયાં હતાં. મૃતકોમાં 14 વર્ષના બે વિદ્યાર્થી અને બે ટીચરનો સમાવેશ થાય છે. ઘાયલ થયેલામાં આઠ વિદ્યાર્થી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે. શંકાસ્પદ ગનમેનની ઓળખ 14 વર્ષના કોલ્ટ ગ્રે તરીકે થઈ હતી. .
જ્યોર્જિયા સ્ટેટના બેરો કાઉન્ટીમાં એપલાચી હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી. પોલીસે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે સવારે લગભગ સાડા દશ વાગ્યે એક હાઉસ્કૂલમાં ફાયરિંગ થયું હોવાના અહેવાલ આવ્યા હતા. ત્યાર પછી લો એન્ફોર્સમેન્ટ અને ઈમરજન્સી સર્વિસના ઘણા લોકોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. જો હાઇસ્કૂલમાં આ ઘટના બની ત્યાંથી બધા સ્ટુડન્ટને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્કૂલ નજીક એક મેદાનમાં તેમને લઈ જવાયા હતાં.
બધા લોકોને ગન શોટના કારણે ઈજા થઈ છે એવું નથી. કેટલાક લોકો ઘટનાસ્થળેથી ભાગતી વખતે ઈજાગ્રસ્ત થયા હતાં. આ દરમિયાન સ્કૂલને એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી હતી.
એક ન્યૂઝ ચેનલ પ્રમાણે એક સ્ટુડન્ટે કહ્યું કે તે કેમિસ્ટ્રીના ક્લાસમાં હતી ત્યારે એક ટીચર દોડતા દોડતા આવ્યા અને કહ્યું કે ક્લાસનો દરવાજો બંધ કરી નાખો કારણ કે બહાર કોઈ ફાયરિંગ કરી રહ્યું છે. બધા સ્ટુડન્ટ અને ટીચર્સ એક રૂમમાં છુપાઈ ગયા અને અંદરથી દરવાજો બંધ કરી નાખ્યો. ત્યાર પછી કોઈ આવીને દરવાજો જોરથી ખખડાવતું હતું અને ક્લાસનો દરવાજો ખોલવા બૂમો પાડતું હતું. થોડીવારમાં વધુ ગનશોટનો અવાજ આવ્યો. અંતમાં ક્લાસના બધા સ્ટુડન્ટને મેદાનમાં ફૂટબોલના મેદાનમાં લઈ જવાયા હતા.
જ્યોર્જિયા બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, બુધવારના શૂટિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક એઆર-પ્લેટફોર્મ હથિયાર હતું. એપલાચી હાઈસ્કૂલને વહેલી સવારે ફોન પર ધમકી મળી હતી જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે પાંચ શાળાઓમાં ગોળીબાર થશે અને એપચાલી પ્રથમ હશે.