(Photo by Mark Brake/Getty Images)

ભારતના રોહન બોપન્ના અને ઈન્ડોનેશિયાની એલ્ડિલા સુજિઆદી યુએસ ઓપન ટેનિસની મિક્સ્ડ ડબ્લ્સમાં સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. સોમવારે ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં રોહન – એલ્ડિલાએ મેથ્યુ એબ્ડેન અને બાર્બોરા ક્રેજસીકોવાને લાંબા અને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 7-6 (7-4), 2-6, 10-7થી હરાવ્યા હતા. 2024ના વર્ષની આ છેલ્લી ગ્રાંડ સ્લેમ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં રોહનનો આ અગાઉ પુરૂષોની ડબ્લ્સમાં પ્રી ક્વાર્ટર ફાઈનલમાં જ પરાજય થયો હતો. ભારતના અન્ય ખેલાડીઓ સુમિત નાગલ, એન. શ્રીરામ બાલાજી તથા યુકી ભામ્બ્રીનો પણ અગાઉ વિવિધ તબક્કે પરાજય થઈ ચૂક્યો છે.

રસપ્રદ બાબત એ રહી છે કે, પુરૂષોની ડબલ્સમાં રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન એક સફળ જોડી લાંબા સમયથી રહી છે, તેઓ યુએસ ઓપનમાં બીજા રાઉન્ડ – પ્રી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીનાની મેક્સિમો ગોન્ઝાલેઝ અને આન્દ્રેસ મોલ્ટેની સામે સીધા સેટ્સમાં 1-6, 5-7થી પરાજય થયો હતો.

એ પછી મિક્સ્ડ ડબ્લ્સમાં રોહન અને એલ્ડિલાનો મુકાબલો ક્વાર્ટર ફાઈનલમાં મેથ્યુ એબ્ડેન અને ક્રેજસિકોવા સામે થયો હતો.

ટુર્નામેન્ટમાં સોમવારના અન્ય મુકાબલામાં ડાનિલ મેડવેડેવ નુનો બોર્ગેસને 51 મિનિટના જંગમાં 6-0, 6-1, 6-3થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો હતો. 2018થી મેડવેડેવ હાર્ડ કોર્ટ્સ ઉપર 268 મેચમાં વિજેતા રહ્યો છે, જે અન્ય કોઈપણ ખેલાડી કરતાં વધારે છે. તો મહિલા સિંગલ્સમાં તો ગત વર્ષની ચેમ્પિયન, અમેરિકાની કોકો ગોફને પ્રી ક્વાર્ટર ફાઈનલમાં સાથી અમેરિકન હરીફ એમ્મા નાવારોએ 6-3, 4-6, 6-3થી હરાવી મેજર અપસેટ કર્યો હતો. આ બન્નેનો જંગ બે કલાક 12 મિનિટ ચાલ્યો હતો.

LEAVE A REPLY