નેટફ્લિક્સની 29 ઓગસ્ટે રીલિઝ થયેલી નવી વેબ સિરીઝ ‘IC 814: કંદહાર હાઇજેક’ વિવાદમાં ફસાઈ છે. 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઇટ અપહરણ પર આધારિત આ શો પર તથ્યોને વિકૃત કરવાનો, આતંકવાદને ઢાંકવાનો અને જાહેર ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ વિવાદને પગલે ભારત સરકારે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડ મોનિકા શેરગીલને સમન્સ કર્યાં છે.
ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC 814ને 24 ડિસેમ્બર, 1999ના પાકિસ્તાની ત્રાસવાદીએ હાઇજેક કરી હતી. નેપાળની રાજધાની કાઠમંડુથી દિલ્હી જતી વખતે 40 મિનિટ પછી 154 મુસાફરો અને ક્રૂને લઇ જતું પ્લેનને પાંચ આતંકવાદીઓએ હાઇજેક કર્યું હતું. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીન (HUM)ના સભ્યો તરીકે ઓળખાતા હાઇજેકરોએ પ્લેનને તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના કંદહાર તરફ વાળ્યું હતું. આ કટોકટી આઠ દિવસ સુધી ચાલી હતી. આતંકવાદીઓ મૌલાના મસૂદ અઝહર, અહમદ ઓમર સઈદ શેખ અને મુશ્તાક અહેમદ ઝરગરને મુક્ત કરવાની માંગ કરી હતી.ભારત સરકારે બંધકો મુસાફરોના જીવ બચાવવા માટે આખરે આતંકવાદીઓને છોડ્યાં હતા.
અનુભવ સિંહા દ્વારા દિગ્દર્શિત આ વેબ સિરિઝમાં હાઇજેકની ઘટનાને નાટકીય રીતે રજૂ કરાઈ છે. તેમાં વિજય વર્મા, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર સહિતના કલાકારો છે. આ સિરિઝમાં અપહરણકર્તાઓ માટે “શંકર” અને “ભોલા” જેવા હિન્દુ નામનો ઉપયોગ કરાયો છે. X (અગાઉનું ટ્વિટર) જેવા પ્લેટફોર્મ પર #BoycottNetflix અને #BoycottBollywood જેવા હેશટેગ્સ ટ્રેન્ડ થવા લાગ્યા છે.કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે આતંકવાદીઓને હિંદુ નામો આપીને હિંદુ સમુદાયને બદનામ કરવાનો “અધમ પ્રયાસ” છે.
બીજેપી IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે IC-814ના હાઇજેકર્સ મોટા આતંકવાદીઓ હતા. આ હાઈજેકમાં પોતાની મુસ્લિમ ઓળખ છુપાવવા માટે તેમણે હિન્દુ નામો આપવામાં આવ્યા છે.દાયકાઓ પછી લોકો વિચારશે કે હિંદુઓએ જ IC-814 હાઇજેક કર્યું હતું.