બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે શેખ હસીના સરકારના પતન પછી લઘુમતી સમુદાયો અને ખાસ કરીને હિન્દુઓ માટે સ્થિતિ વધુને વધુ મુશ્કેલ બની રહી છે. હસીના સરકારના પતન પછી લઘુમતી સમુદાયોના ઓછામાં ઓછા 49 શિક્ષકોને તેમના હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પડાઈ છે. કેટલાક શિક્ષકો પર શારીરિક હુમલા પણ થયા હતા, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
બાંગ્લાદેશ છાત્ર ઓક્યા પરિષદના સંયોજક સાજીબ સરકારને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે તેમાંથી 19ને પુનઃસ્થાપિત કરાયા હતા. 18 ઓગસ્ટના રોજ, લગભગ 50 વિદ્યાર્થીઓએ અઝીમપુર ગવર્નમેન્ટ ગર્લ્સ સ્કૂલ એન્ડ કૉલેજમાં પ્રિન્સિપાલની ઑફિસ પર હુમલો કર્યો હતો તથા પ્રિન્સિપાલ અને અન્ય બે શિક્ષકોના રાજીનામાની માગણી કરી હતી.
દેશનિકાલ કરાયેલ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને નોબેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પડી છે. ભૂતપૂર્વ સરકારના પત્રકારો, મંત્રીઓ, અધિકારીઓને મારી નાખવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે, જેલમાં ધકેલી દેવામાં આવે છે. અહમદી મુસ્લિમોના ઉદ્યોગોને બાળી નાખ્યા છે. ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા સૂફી મુસ્લિમોની મઝારો અને દરગાહ તોડી પાડવામાં આવે છે. યુનુસ તેમની સામે કશું બોલતા નથી.