Courtesy: ttps://www.gujarattourism.com

ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના મેળા રદ્ કરવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે વરસાદે વિરામ લીધો ત્યારે સુરેન્દ્રનગરનો વિશ્વવિખ્યાત તરણેતરના મેળો યોજવા માટે સકારાત્મક પ્રયાસ થઇ રહ્યો હતો. 6થી 9 સપ્ટેમ્બર સુધી તરણેતરનો મેળો યોજાશે. આ માટે શનિવારે સાંસદ, ધારાસભ્ય, પંચાયતોના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેકટર કે. સી. સંપટ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને ચાર દિવસ માટે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા આ મેળો બંધ રાખવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં અતિભારે વરસાદને કારણે તરણેતર ગામ તળાવ, ડેમ, નદી, નાળા ઓવરફ્લો થયા હતા. જો ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડે તો તરણેતર ગામને જોડતા તમામ રસ્તાઓ અત્યારની સ્થિતિએ પણ સંપૂર્ણ બંધ થાય તેવી સંભાવના છે. જેનાં કારણે લોકમેળામાં આવનાર લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ આકસ્મિક આફત સર્જાય તેમ હોવાથી ગ્રામ પંચાયત વર્ષ 2024નો લોકમેળો ગ્રામ પંચાયત પોતાનાં હસ્તક આયોજન કરવા ઇચ્છતી નથી તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY