પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી. (ANI Photo)
કોલકાતા ડોક્ટર રેપ-મર્ડર મામલે ભાજપના બંગાળ બંધના એલાનને કારણે ચારેતરફથી ઘેરાયેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં ખુલ્લી ધમકી આપી હતી કે જો બંગાળ ભડકે બળશે તો આસામથી દિલ્હી સુધી આગ ફેલાઈ જશે અને પીએમ મોદીની ખુરશી જશે.
તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદ (TMCP)ની સ્થાપના દિન રેલીમાં મમતાએ કહ્યું હતું કે કેટલાક લોકોને લાગે છે કે આ બાંગ્લાદેશ છે. હું બાંગ્લાદેશને પ્રેમ કરું છું. તેઓ અમારી જેમ બોલે છે અને અમારા જેવી સંસ્કૃતિ ધરાવે છે, પરંતુ યાદ રાખો, બાંગ્લાદેશ એક અલગ દેશ છે અને ભારત એક અલગ દેશ છે. મોદીબાબુ તમે અહીં આગ લગાડવા તમારી પાર્ટીનો ઉપયોગ કરો છો. પરંતુ યાદ રાખો, જો તમે બંગાળને ભડકે બાળશો તો .. આસામ, પૂર્વોત્તર, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી સુધી તેની આગ ફેલાશે. અમે તમારી ખુરશી પાડી દઈશું.
ડોક્ટર રેપ કેસમાં વિરોધ કરી રહેલા ભાજપ વિરુદ્ધ ટીએમસી કાર્યકરોની ઉશ્કેરણી કરતાં તેમણે જણાવ્યું હતું કે તમારું અપમાન થાય ત્યારે તેનો પ્રતિકાર કરવાનો અને વિરોધ કરવાનો સમય આવી ગયો છે. તમારા પર હુમલા થાય ત્યારે શાંત ન બેસી રહો. કેવી રીતે પ્રતિસાદ આપવો તે તમારા પર નિર્ભર છે.
‘આસામને ધમકી આપવાની તમારી હિંમત કેવી રીતે થઈ?’ હિમંતા બિસ્વા સરમા
આસામમાં અશાંતિ ફેલાવવાની ધમકી આપવા બદલ મમતા બેનર્જી પર પ્રહાર કરતાં આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બુધવારે જણાવ્યું હતું કે આસામને ધમકી આપવાની તમારી હિંમત કેવી રીતે થઈ. તમારો ગુસ્સો અમારા પર ઠાલવશો નહીં. તમારી નિષ્ફળતા છુપાવવા માટે જનતાને ઉશ્કરશો નહીં. વિભાજનકારી ભાષા બોલવી તે તમને શોભા આપતું નથી.

LEAVE A REPLY