ગુજરાતમાં ચાર દિવસના ભારે વરસાદને પગલે ગુરુવાર 29 ઓગસ્ટે પણ વડોદરા, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ વિકટ રહી હતી. બીજી તરફ આર્મી અને હેલિકોપ્ટરની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. રાજ્યમાં છેલ્લાં ચાર દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા હતા અને 25,000થી વધુનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં ગુરુવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો.
કેટલાક કિસ્સાઓમાં, લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા માટે સુરક્ષા દળો દ્વારા હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજેતરના ધોધમાર વરસાદને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત શહેર વડોદરામાં સવારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 37 ફૂટથી ઘટીને 32 ફૂટ થઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબેલા હતા. ભારે વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાને પગલે મંગળવારે સવારે નદીએ 25 ફૂટનું જોખમનું નિશાન વટાવી દીધું હતું.
અગાઉ બુધવારે આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં 10થી 12 ફૂટ પાણી ભરાયેલા છે. પાણી ભરાયેલા છે. વિશ્વામિત્રી નદી જે શહેરમાંથી વહે છે તે ભારે વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાને કારણે મંગળવારે સવારે 25 ફૂટના જોખમના નિશાનને વટાવી ગઈ હતી, આજવા ડેમની જળસપાટી હાલમાં 213.8 ફૂટ છે. વિશ્વામિત્રી નદીમાં વધારાનું પાણી ન જાય તે માટે અમે દરવાજા બંધ કરી દીધા છે. નદી હાલમાં 37 ફૂટે વહી રહી છે, જે ખતરાના નિશાનથી ઉપર છે. શહેરમાં પાણી ઘુસ્યુ છે અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
પ્રધાને જણાવ્યું હતું કે આર્મીની ચાર ટુકડીઓ હાલમાં શહેરમાં રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. વડોદરામાં પરિસ્થિતિ ચિંતાજનક છે કારણ કે નદીની બંને બાજુના ઘણા વિસ્તારોમાં હજુ પણ 10 થી 12 ફૂટ પાણી છે. કેટલાક વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ પાણી છે. સ્થાનિક વહીવટીતંત્રે 5,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે અને લગભગ 1,200 ફસાયેલા લોકોને બચાવ્યા છે.
“રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને SDRF ની એક ટીમ ઉપરાંત, ભારતીય સેનાની એક કૉલમ પહેલાથી જ શહેરમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે કાર્યરત છે.
શહેરના સિદ્ધાર્થ નગર, અકોટા, હરણી-સમા રોડ, ફતેહગંજ, મુંજમહુડા અને વડસર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં હતા. રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે વધુ બોટ મોકલવામાં આવી છે.38,000 થી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે અને અન્ય એક લાખ પેકેટ વિતરણ માટે તૈયાર છે.
તેમણે જણાવ્યું હતું કે શહેરમાં લગભગ 20 વર્ષ પછી આવી સ્થિતિ સર્જાઈ છે. વિશ્વામિત્રીને આજવા, પ્રતાપપુરા અને અન્ય ત્રણ બિન-ગેટેડ જળાશયોમાંથી પાણી મળે છે. પૂરના લાંબા ગાળાના ઉકેલ તરીકે, અમે ડેમનું પાણી છોડવાને બદલે નર્મદા કેનાલમાં ડાયવર્ટ કરવાનું વિચારી રહ્યા છીએ. વિશ્વામિત્રીમાં આ યોજના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે.