લેસ્ટરની શોભા અને વૈવિધ્યમાં વધારો કરનાર ગોલ્ડન માઇલ ગણાતા લેસ્ટરના બેલગ્રેવ રોડ પર દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા દિવાળી લાઇટ્સ સ્વિચ ઓન કાર્યક્રમ યોજવાના ખર્ચામાં વધારો થતો હોવાથી તે કાર્યક્રમ આ વર્ષે યોજાશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે.

દિવાળીના દિવસે તા. 31 ઓક્ટોબર, 2024ના રોજ થનાર ઉજવણીમાં બેલગ્રેવ રોડ અને કોસિંગ્ટન સ્ટ્રીટ પર વિવિધ કાર્યક્રમો અને મનોરંજનનો સમાવેશ થશે જેની વધુ વિગતો આગામી સપ્તાહોમાં જાહેર કરવામાં આવશે. હજારો લોકો દર વર્ષે જ્યાં હાજરી આપતા હતા તે ઉજવણી અંગેની વધુ વિગતો આગામી સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.

હિન્દુઓના અગત્યના ગણાતા પ્રકાશના તહેવાર દિપાવલિ પ્રસંગે લેસ્ટરમાં સામાન્ય રીતે બે કાર્યક્રમનું છેલ્લા 40 વર્ષથી આયોજન થતું હતું. બેલગ્રેવ રોડ – ગોલ્ડન માઇલ પર રોશનીનો સ્વિચ-ઑન કરી આતશબાજી કરવામાં આવતી હતી. જ્યારે દિવાળીના દિવસે ફનફેર યોજાતો હતો.

લેસ્ટર સિટી કાઉન્સિલે તા. 23ના રોજ જણાવ્યું હતું કે, ‘’આ વર્ષે દિવાળીના દિવસે જ આ બન્ને કાર્યક્રમો સાથે યોજવામાં આવશે. ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષા અને સંકળાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે બે કાર્યક્રમોને અલગ અલગ યોજવાનો ખર્ચ 2018માં £189,000થી વધીને લગભગ £250,000 થઈ ગયો હતો.’’

કાઉન્સિલના આસિસ્ટન્ટ સિટી મેયર ફોર કલ્ચર, વી ડેમ્પસ્ટરે જણાવ્યું હતું કે “અમને લેસ્ટરમાં દિવાળીની ઉજવણી પર ખરેખર ગર્વ છે અને અમે ઈચ્છીએ છીએ કે દિવાળી અમારા વાર્ષિક ઈવેન્ટ્સ કેલેન્ડરના ભાગરૂપે આગળ વધતી રહે. જો કે, બે અલગ-અલગ દિવસો માટે કાર્યક્રમો  યોજવાનો ખર્ચ પોષાય તેવો નથી. અમે બજેટ પર અભૂતપૂર્વ દબાણનો સામનો કરી રહ્યા છીએ. બન્ને કાર્યક્રમો યોજવા હોય તો એકમાત્ર રસ્તો જરૂરી નોંધપાત્ર ભંડોળ મેળવવાની અન્ય રીતો શોધવાનો છે.’’

શ્રીમતી ડેમ્પસ્ટરે જણાવ્યું હતું કે ‘’દિવાળીના કાર્યક્રમો યોજવા માટે ઘણા વર્ષોથી મદદ કરતી લેસ્ટર હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલ (LHFC) સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમે ખાતરી આપીશું કે દિવાળીના તહેવાર દરમિયાન ગોલ્ડન માઇલ હજારો દીવાઓથી પ્રકાશિત થાય.’’

લેસ્ટર ઇસ્ટના સાંસદ શિવાની રાજાએ નિર્ણયની ટીકા કરતા જણાવ્યું હતું કે ‘’આ વર્ષે શહેરનો દિવાળી લાઇટ સ્વીચ-ઓન કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય બિઝનેસીસ માટે “મોટો ફટકો” હશે. બેલગ્રેવમાં બિઝનેસીસ સ્વીચ-ઓન કાર્યક્રમમાં હાજરી આપતી વિશાળ ભીડ દ્વારા થતા વેપાર પર આધાર રાખે છે.

બેલગ્રેવ બિઝનેસ એસોસિએશનના સેક્રેટરી એન્ના લાખાણીએ જણાવ્યું હતું કે ‘’2025માં આ કાર્યક્રમ પુનઃસ્થાપિત કરવા માટે બિઝનેસીસ નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરશે. હું આ નિર્ણયથી દુઃખી છું. અમે ભંડોળ મેળવવા માટે એક સંગઠન તરીકે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.”

LEAVE A REPLY