(Photo by Mike Segar - Pool/Getty Images)
શિકાગોમાં ગયા સપ્તાહે યોજાઇ ગયેલા ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં સમગ્ર હોલમાં ‘ઓમ શાંતિ’નો પાઠ કરાયો હતો. કન્વેન્શનના ત્રીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ હિન્દુ ધર્મના પુજારી રાકેશ ભટ્ટે કરાવ્યો હતો. રાકેશ ભટ્ટ મેરિલેન્ડ સ્થિત શ્રી વિષ્ણુ મંદિરના પુજારી છે અને તેમણે એકજૂથ દેશ માટે આશીર્વાદની પ્રાપ્તી અર્થે વૈદિક પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણી વચ્ચે મતભેદો હોય તો પણ જ્યારે રાષ્ટ્રની વાત આવે છે ત્યારે આપણે એકજૂથ થવું જ પડશે.
વરિષ્ઠ પુજારીએ કહ્યું હતું કે આપણે સૌએ એક રહેવુ જોઇએ. આપણા મસ્તિકને એકબીજાની સમીપ આવવા દો. આપણા હૃદયને એક થઇને ધબકવા દો. સમગ્ર સમાજના હિત અને સારા માટે. ઇશ્વર આપણને એટલા શક્તિશાળી બનાવે કે આપણે એક થઇને આપણા દેશને ગૌરવાન્વિત કરીએ.
ગુરુવારે કમલા હેરિસના ભવ્ય કાર્યક્રમ પહેલા સ્ટેજ ઉપર આવી રાકેશ ભટ્ટે અમેરિકાને વિનંતી કરી હતી કે તે એક એવા નેતાની પસંદગી કરે જે વૈદિક સિદ્ધાંત વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ ધરાવતા હોય. તેમણે જણાવ્યુ હતું કે આપણે સૌ એક વૈશ્વિક પરિવાર છીએ. સત્ય આપણો પાયો છે અને તે હંમેશા જ રહેશે. અમને અવાસ્તવિકમાંથી વાસ્તવિક તરફ, અંધકારથી પ્રકાશ તરફ અને મૃત્યુથી અમરતા તરફ દોરી જાવ.
રાકેશ ભટ્ટ બેંગલુરુથી અમેરિકા આવ્યા હતા. તેઓ ઋગવેદ અને તંત્રસાર (માધવ) આગમના પ્રખર જ્ઞાતા છે. તેઓએ પોતાનો આ વૈદિક અભ્યાસ ઉડુપી અષ્ટ મઠના સ્વામી અને પોતાના ગુરુ પેજાવર સ્વામી પાસે કર્યો છે.
રાકેશ ભટ્ટ હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, તામિલ, તેલુગુ, કન્નડ અને તુલુ ભાષા એકદમ સરળતાથી બોલી શકે છે. તેઓ સંસ્કૃત, અંગ્રેજી અને કન્નડ ભાષામાં બેચલર અને માસ્ટર્સ ડિગ્રી પણ ધરાવે છે. તેમણે અંગ્રેજી અને કન્નડ ડિગ્રીઓ ઓસ્ટીન કોલેજ બેંગલુરુથી જ્યારે સંસ્કૃતની ડીગ્રી જયચામરાજેન્દ્ર કોલેજથી મેળવી છે.

LEAVE A REPLY