વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની તાજેતરની મુલાકાત પછી મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો તેમજ યુક્રેનની મુલાકાત અંગે ફોન પર ચર્ચાવિચારણા થઈ હતી. અગાઉ સોમવારે મોદી અને બાઇડન વચ્ચે યુક્રેન યુદ્ધ અંગે ફોન પર વાતચીત થઈ હતી.
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કર્યું હતું કે “આજે પ્રેસિડન્ટ પુતિન સાથે વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચેના વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પગલાંની ચર્ચા કરી હતી. રશિયા-યુક્રેન સંઘર્ષ પર પરિપ્રેક્ષ્યની આપ-લે કરી હતી અને યુક્રેનની તાજેતરની મુલાકાતથી મારી મુલાકાત અંગે અભિપ્રાયો આપ્યો હતો. આ સંઘર્ષના શાંતિપૂર્ણ અને વહેલા ઉકેલ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન 22મી ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટમાં ભાગ લેવા માટે ગયા મહિને રશિયાની તેમની સફળ મુલાકાતને યાદ કરી હતી. બંને નેતાઓએ સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી હતી અને ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરી હતી. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને નેતાઓએ ચાલી રહેલા રશિયા-યુક્રેન સંઘર્ષ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેમણે સંવાદ અને મુત્સદ્દીગીરીના મહત્વ તેમજ તમામ હિસ્સેદારો વચ્ચે નિષ્ઠાવાન અને વ્યવહારુ જોડાણ પર ભાર મૂક્યો હતો.