ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેન મુલાકાત પછી યુએસ પ્રમુખ જો બાઇડન અને મોદી વચ્ચે સોમવાર, 26 ઓગસ્ટે રશિયા-યુક્રેન યુદ્ધ તથા બાંગ્લાદેશની સ્થિતિ અંગે ફોન પર ચર્ચાવિચારણા થઈ હતી.
મોદીએ ઓનલાઈન પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે યુક્રેનની પરિસ્થિતિ વિશે ફોન પર બાઇડન સાથે ચર્ચાવિચારણા કરી હતી અને “શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને ખાસ કરીને લઘુમતીઓની સુરક્ષા અંગે પણ ચર્ચાવિચારણા કરી હતી.
વ્હાઇટ હાઉસે એક અલગ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે બાઇડને મોદીની પોલેન્ડ અને યુક્રેનની તાજેતરની મુલાકાતની પ્રશંસા કરી હતી અને બંને નેતાઓએ “યુએન ચાર્ટરના આધારે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે સમર્થન” વ્યક્ત કર્યું હતું.
ગયા અઠવાડિયે ભારતીય વડા પ્રધાન મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી. અગાઉ મોદીએ જુલાઇમાં રશિયાની મુલાકાત લીધી હતી.
પીએમ મોદી અને બાઇડને બાંગ્લાદેશની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની પુનઃસ્થાપના તથા લઘુમતીઓ અને ખાસ કરીને હિંદુઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.શેખ હસીના સરકાર પદભ્રષ્ટ થયા પછી તરત જ બાંગ્લાદેશના હિંદુ લઘુમતી પર હુમલાના અહેવાલો પર ભારત સરકાર ચિંતા વ્યક્ત કરી હતી.