ભારતીય ટીમ આવતા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે આવશે અને અહીં તે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ કાર્યક્રમની જાહેરાત કરી છે. આવતા વર્ષે ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ ઈંગ્લેન્ડના પ્રવાસે આવશે અને અહીં એ પાંચ ટી-20 તથા ત્રણ વન-ડેની શ્રેણી રમશે.
ભારત અને ઈંગ્લેન્ડની પુરૂષોની ટીમના કાર્યક્રમ મુજબ પ્રથમ ટેસ્ટ મેચ 20 જૂનથી લીડ્ઝમાં રમાશે, તો છેલ્લી ટેસ્ટ 31 જુલાઈએ રમાશે. ટીમ ઈન્ડિયા બર્મિંગહામ, લોર્ડ્સ અને માન્ચેસ્ટરમાં પણ ટેસ્ટ મેચ રમશે.
મહિલા ટીમના ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટી-20 શ્રેણી 28 જૂનથી 12 જુલાઈ સુધી અને પછી વન-ડે શ્રેણી 16, 19 અને 22 જુલાઈના રોજ રમાશે. મહિલા ટીમના પ્રવાસની એક વિશિષ્ટતા એ છે કે પહેલીવાર બન્ને મહિલા ટીમ લોર્ડ્સના મેદાન ઉપર 19મી જુલાઈના રોજ વન-ડે મેચ રમશે.
રોહિત-ગંભીર સામે મોટો પડકારઃ ઈંગ્લેન્ડનો પ્રવાસ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટો પડકાર બની રહેવાનો છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં છેલ્લા 17 વર્ષથી એકપણ ટેસ્ટ સિરીઝમાં વિજેતા રહી શકી નથી. છેલ્લે ભારતે 2007માં ઈંગ્લેન્ડને તેના ઘરઆંગણે ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું હતું. જો કે, આ અગાઉની સીરીઝમાં ભારતીય ટીમ ચોક્કસપણે વિજયની નજીક પહોંચી હતી. 2021-22ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો થઈ હતી. ભારત શ્રેણીમાં 2-1થી આગળ હતું પરંતુ છેલ્લી ટેસ્ટમાં પરાજયના પગલે શ્રેણી ડ્રો થઈ ગઈ હતી. આ સિવાય ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બંને ફાઈનલ પણ હાર્યું હતું, તે દર્શાવે છે કે રોહિત અને ગંભીરની જોડી માટે 2025નો પ્રવાસ આસાન નહીં હોય.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ
પહેલી ટેસ્ટઃ 20-24 જૂન, હેડિંગલી
બીજી ટેસ્ટઃ 2-6 જુલાઈ, બર્મિંગહામ
ત્રીજી ટેસ્ટ, 10-14 જુલાઈ, લોર્ડ્સ
ચોથી ટેસ્ટઃ 23-27 જુલાઈ, માન્ચેસ્ટર
પાંચમી ટેસ્ટઃ 31 જુલાઈ-4 ઓગસ્ટ, ધી ઓવલ
ભારતીય મહિલા ટીમનો ઈંગ્લેન્ડના પ્રવાસનો કાર્યક્રમ
પહેલી ટી-20: 28 જૂન, નોટિંગહામ
બીજી ટી-20: 1 જુલાઈ, બ્રિસ્ટોલ
ત્રીજી ટી-20: 4 જુલાઈ, લંડન
ચોથી ટી-20: 9 જુલાઈ, માન્ચેસ્ટર
પાંચમી ટી-20: 12 જુલાઈ, બર્મિંગહામ.
પહેલી વન-ડેઃ 16 જુલાઈ, સાઉધમ્પ્ટન
બીજી વન-ડેઃ 19 જુલાઈ, લોર્ડ્સ
ત્રીજી વન-ડેઃ 22 જુલાઈ, ચેસ્ટર-લી-સ્ટ્રીટ